

ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદના પાંજરાપોળ ખાતે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવતી બસ બાઇક ચાલકોને કચડીને નીકળી જાય છે. ગુરુવારે સવારે થયેલા અકસ્માતમાં બે સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક પર જતાં બે ભાઈઓ પર બીઆરટીએસની આખી બસ ફરી વળે છે. બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.


મૃતકો સગા ભાઈ : બીઆરટીએસ અકસ્માતમાં મોતને ભેટેલા નયન અને જયેશ બંને સગાભાઈઓ છે. જેમાંથી નાનો ભાઈ જયેશ ગાંધીનગર ખાતે સચિવાયલમાં નોકરી કરે છે. જ્યારે મોટો ભાઈ નયન તાલાળા ખાતે આઈસીઆઈસીઆઈ બેંકમાં નોકરી કરે છે. નયન તાલિમ માટે બુધવારે જ પિતા હીરાભાઈ રામ સાથે અમદાવાદ આવ્યો હતો.


મૃતકોનાં નામ : મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં નયન રામ (ઉં.વ. 26) અને જયેશ રામ (ઉં.વ. 24)નો સમાવેશ થાય છે. એવી પણ માહિતી મળી છે કે મૃતક જયેશની રામની પત્ની દાણીલીમડા ખાતે PSI (Police Sub Inspector) તરીકે ફરજ બજાવે છે.


સરકારે હેલ્મેટનો દંડ ઉઘરાવ્યો છે તેમાંથી વળતર આપશે? : અકસ્માત સમયે હાજર લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોતને ભેટેલા યુવકે હેલ્મેટ પહેર્યું હતું. હેલ્મેટ પહેરવા છતાં અકસ્માતનું તેનું મોત થયું છે. સરકાર લાખો રૂપિયાનો હેલ્મેટના કાયદાનો દંડ ઉઘરાવી રહી છે, તો શું હવે સરકાર તેમને વળતર આપશે?