અમદાવાદ: બોપલ ઘુમા રોડ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. એક કારચાલક મુખ્ય રોડ પરથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ઘુસી આવી ગયો અને ત્યાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ થયું હતું. જ્યારે કાર ઝાડીમાં જઈને ફસાઈ ગઈ હતી. લોકોએ જોયું તો કારમાં દારૂની બોટલો, ગ્લાસ અને પડીકા પણ હતા. આ સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
બોપલ ઘુમા રોડ પરના આવેલા લાલ ગેબી આશ્રમ પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. એક ગાડી અચાનક સવારે છ વાગ્યાના સુમારે મુખ્ય રોડથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ધસી આવી હતી. ત્યાં મેદાનમાં કસરત કરી રહેલા વૃદ્ધ કાળુભાઇ રાખોલીયા પર કાર ફરી વળી હતી. કાર ફરી વળતા જ કાળુભાઈનું મૃત્યુ થયું હતું. કાળુભાઇ સાથે આરએસએસની શાખામાં આવનાર લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ ન બચી શક્યા નહોતા. બાદમાં કારમાં ફસાયેલા લોકોને બચાવવા તમામ લોકો દોડ્યા પણ ઝાડીમાં ગાડી ઘુસી જતા અંદર રહેલા લોકોને કાઢવા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરાઈ હતી. લોકોનો આરોપ છે કે, કારચાલક અને તેની સાથેના લોકો ગાડી મુકી ફરાર થઇ ગયા હતા. કેમકે, અંદર દારૂની બોટલો અને પડીકા તથા ગ્લાસ પણ હતા.
પ્રત્યક્ષદર્શી ઘનશ્યામભાઈ સીતાપરાએ જણાવ્યું કે, અમે બધા શાખામાં સાથે જ હોઈએ છીએ. આજે પણ પહોંચ્યા ત્યારે જ આ અકસ્માત થયો હતો. મેં મારા મિત્ર કાળુભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ મુરછાયેલી હાલતમાં હતા. જેથી ગાડીમાં કોઈ કાચ ખખડાવતું હોય તેવું લાગ્યું એટલે ત્યાં ગયા પણ ગાડી બાવળની ઝાડીમાં ફસાઈ ગઈ હતી. જે મુખ્ય રોડથી પચીસેક ફૂટ અંદર ઘુસી ગઈ હતી. જેથી કારમાં રહેલા લોકો અમારાથી નીકળી શકે એમ ન હોવાથી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ કારમાં રહેલા લોકો ફરાર થઇ ગયા હતા.
ઘટના બનતા જ આરોપીઓ તો ફરાર થઇ ગયા પણ એક નિર્દોષ વૃદ્ધનું મૃત્યુ થયું છે. વહેલી સવારે બનેલી ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે. એક ટીમ કાર માલિકના ઘરે પહોંચી તો ઘર બંધ હતું અને ઘરના લોકો પણ તાળું મારી ફરાર થઇ ગયા હતા. પોલીસે ગાડીમાં તપાસ કરી તો કાર મયુર પટેલના નામે રજીસ્ટર્ડ હોવાના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા. જેથી હવે કાર મયુર પટેલ ચલાવી રહ્યા હતા કે કેમ તેને લઈને તપાસ શરૂ કરાઇ છે. કાર માલિકના પાડોશી એવા તેમના જ કૌટુંબિક વ્યક્તિઓએ જણાવ્યું કે મયુરભાઈ અહીં પરિવાર સાથે રહે છે. બે ત્રણ દિવસે આવતા હોય છે પણ એતો ગઈકાલના બહાર છે.