વિભુ પટેલ, અમદાવાદ: સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. ત્યારે અમદવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તિરંગાના રંગે રંગાઇ ગયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે. તિરંગામાં સુસજ્જ એરપોર્ટની છબી, સ્પેશ્યલ સેલ્ફી પોઈન્ટ્સ અને અદભૂત ડેકોરેશન્સે આ ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
અમદાવાદના ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટર્મિનલને સ્વાતંત્ર્ય દિનની થીમ પર શણગારવામાં આવ્યા છે. જેમાં રવેશ, પોલ્સ અને બગીચાની લાઇટિંગનો સમાવેશ થાય છે. મુસાફરો ટર્મિનલની અંદર અને બહાર વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ નિહાળી શકે છે. તેમજ ડોમેસ્ટિક ટર્મિનલના ચેક-ઇન એરિયામાં ટર્મિનલ-1ની અંદર 18x18 ફૂટની પ્રતિકૃતિ એ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા 75 વર્ષોમાં દુનિયાભરમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધેલા વ્યાપને દર્શાવવામાં આવ્યો છે.
અમદાવાદ એરપોર્ટના ટર્મિનલની અંદર સિક્યોરિટી ચેક બાદ પહેલા માળે તિરંગાની પાંખો ધરાવતો સેલ્ફી બૂથ પણ બનાવવામાં આવ્યો છે. અને મુસાફરો સેલ્ફી લઈ આઝાદીના અમૃત મોહત્સવના સહભાગી બની રહ્યા છે. મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે સ્વતંત્રતા દિવસ પહેલા અને પછી હાઈ ટ્રાફિક વીક દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાર્જર ધેન લાઈફ ડેકોરેશન અને થીમેટિક ઇન્સ્ટોલેશન્સ મુસાફરોમાં ખુબ લોકપ્રિય બની રહ્યા છે.
અમદાવાદ એરપોર્ટ રોજના 20 હજારથી વધુ પ્રવાસીઓની અવર જવર થઈ રહી છે અને રજાના માહોલમાં લોકો ફરવા જઈ રહ્યા છે. એટલે રજાના માહોલને લઈ પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટને તિરંગની થિમથી શણગારેલુ જોતા મુસાફરો ખુશ થઈ રહ્યા છે. અને સેલ્ફી પોઇન્ટમાં ફોટો ખેંચી યાદગાર ક્ષણને કેમેરામાં કેદ કરી રહ્યા છે.