અમદાવાદ : શહેરમાં (Ahmedabad Rathyatra) 145મી જગન્નાથજીની રથયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી ભક્તો વગર જ ભગવાનની રથયાત્રા (Rathyatra update) કરવામાં આવતી હતી. આ વખતે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામને મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા છે. આજે મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત બીજેપી અધ્યક્ષ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર: વિભુ પટેલ)
નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવે છે. સવારથી નેત્રોત્સવની વિધિ શરૂ કરવામાં આવે છે. એવી લોકવાયકા છે કે, નગરના નાથ મામાના ઘર સરસપુરથી પરત જમાલપુર મંદિર આવે છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે. એટલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવ્યા હતા. (તસવીર: વિભુ પટેલ)
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે. ત્યાંથી પરત નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ત્રણેવ ભાણેજની સારી રીતે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.(તસવીર: વિભુ પટેલ)
હવે અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજા રોહણની વિધિ કરવામાં આવી હતી. જે બાદ હર્ષ સંધવી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. આજે મંદિરમાં ધોળી દાળ (ખીર) અને કાળી રોટી (માલપુડા)નો ભંડારો થવાનો છે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે.(તસવીર: વિભુ પટેલ)
હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે અને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. આ સાથે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ પોલીસે ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દીધું છે. મંગળવારે શહેર પોલીસ મોટી સંખ્યામાં વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી. રથયાત્રા રૂટ પર પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત, SRP, CAPFની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. (તસવીર: હર્મેશ સુખડિયા)