દીપિકા ખુમાણ, અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા (Lord Jagannath Rath Yatra) જ્યારે મોસાળ પહોંચે છે ત્યારે રથયાત્રા સાથે આવેલા ભક્તો તથા તમામ ખલાસીઓ માટે જમવાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં સરસપુર (Saraspur host food for 2L devotees) આવેલા ભક્તોએ પેટ ભરીને ભોજનનો પ્રસાદ લીધો હતો. સરસપુર ખાતે આવેલી નવથી વધારે પોળમાં આ વર્ષે રસોડાનું આયોજન કરવામાં આવ્યું હતું.
100 વર્ષ જૂનું સરસપુર રસોડું ફરી ધમધમતું થયું: સરસપુર વિસ્તારમાં આવેલી લુહારની શેરીમાં ભગવાન જગન્નાથનું સૌથી જૂનું રસોડું બનાવવામાં આવે છે. રસોડામાં 1,000 કિલો બટાકાનું શાક 1,000 કિલો મોહનથાળ, 500 લિટર કઢી અને 1,000 કિલો ખીચડી બનાવવામાં આવે છે. આ અંગે લુહારની શેરીમાં રહેતા પ્રવીણભાઈ પટેલે જણાવ્યું કે કોરોના વાયરસ બાદ નીકળેલી રથયાત્રાને કારણે આ વર્ષે સરસપુરમાં ઉત્સાહ છે. લુહારની શેરીમાં 1700થી 1800 લોકો એક સાથે મળીને રથયાત્રાના ત્રણ દિવસ પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. આ વર્ષે સૌથી મોટા લુહારની શેરીના રસોડામાં એક પણ ભક્ત ભૂખ્યો ન જાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
સરસપુરની વિવિધ પોળમાં બે લાખથી વધુ લોકો માટે રસોડાની વ્યવસ્થા કરવામાં આવે છે. જેની પાછળ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે સરસપુરમાં નવથી વધુ પોળોમાં રથયાત્રામાં આવેલા લાખો લોકો, સાધુ-સંતો, મહંતો સહિત રથયાત્રિકોને જમાડવા માટેની રસોઇની તૈયારીઓ કરવામાં આવે છે. રથયાત્રાના એક દિવસ પહેલા સરસપુરની વાસણ શેરીમાં ભલાભગતના રણછોડજી મંદિર ખાતે હજારો સાધુ-સંતો માટે વિશાળ ભંડારનું આયોજન કરવામાં આવે છે.
જેમાં આગંતુક સાધુ-સંતોને અકીલા પ્રેમ અને આદરપૂર્વક દાળ-ભાત, શાક, પૂરી, શીરો જમાડી તેઓને દાન-દક્ષિણા આપી તેઓનું સન્માન કરવામા આવે છે. રથયાત્રાના એક દિવસ પહેલા દોઢક હજારથી વધુ સાધુ-સંતો માટે સરસપુરની વાસણશેરીમાં વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં સર્વે સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને તેમની મહંતાઇ, અખાડા અને હોદ્દાની ગરીમા મુજબ દાન-દક્ષિણા આપી સન્માન કરાય છે.