ગુજરાતમાં જાણે પાડોશી રાજ્યથી આફત આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશમાં વાદળો એવા વરસ્યા કે આ રાજ્યો જળબંબાકાર થઈ ગયા છે. ઉપરવાસના પાણી હવે ગુજરાત સુધી પહોંચી ગયા છે. જેના કારણે બનાસકાંઠાથી લઈ સુરત સુધીની નદીઓ અને ડેમ છલકાઈ ગયા છે. સાથે જ દરિયાદેવનું તોફાન યથાવત છે. ત્યાં જ ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વરસાદી જળ વહી રહ્યા છે. મધ્યપ્રદેશમાં જે વાદળ ફાટ્યા છે તેના જળ ગુજરાતના ડેમ સુધી પહોંચ્યા છે. હાલ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી તેમ છતાં ગુજરાતના કેટલાય ડેમ એલર્ટ પર છે સાથે જ ડેમ તેની ભયજનક સપાટી વટાવી રહ્યા છે.
બનાસકાંઠાના બાલારામ નજીક બાલારામ નદી ફરી જીવંત બની છે. મહાદેવના મંદિર નજીકથી પસાર થતી આ નદીમાં પાણીની આવક થતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. અહીં પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જે તહેવારોમાં લોકોને આકર્ષી રહી છે. બીજી તરફ બનાસકાંઠાના ભારે વરસાદ બાદ પાલનપુરના માલણથી હસનપુરનો જોડતો પૂલ પર સ્વીમિંગ પૂલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાંથી ધસમસતા પાણી આવતા નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે. નર્મદા બંધની જળ સપાટી 133 મીટરને પાર પહોંચી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 5.17 મીટર દૂર છે. નર્મદા ડેમના દરવાજા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યાં છે. નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતાને પગલે વડોદરા જિલ્લા કલેકટરે તકેદારીના ભાગ રૂપે નર્મદા કાંઠાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના આપી છે. જરૂર પડ્યે નદી કાંઠા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા અને તમામ કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં રહેવા જણાવાયું છે.