નવીન ઝા, અમદાવાદઃ શહેરમાં છેલ્લા 2-4 દિવસમાં ફાયરિંગના (firing) અનેક વીડિયો વાયરલ (video viral) થયા હોવાની ઘટના સામે આવી છે. અને જેમાં ક્યાંક જન્મ દિવસમાં તો કયાંક લગ્નમાં હવામાં ફાયરિંગનો વીડિયો ફરતો થયો છે. આવામાં એક નવો વીડિયો સેટેલાઈટનો સામે આવ્યો છે અને જેમાં એક યુવક ચાલુ કારમાં ફાયરિંગ કરી રહ્યો હોય તેવું સામે આવ્યું હતું. આ મામલે વીડિયો બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચ (crime branch) તપાસમાં લાગી ગઈ હતી અને કાર નંબરના આધારે એક યુવકને પકડી પાડ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે આ પિસ્ટલ જેવો હથિયાર તેને હરદેવસિંહ વાળા નામના યુવક જે ડાભીસ કોફી બાર ચલાવે છે તેને આપ્યું હતું. હરદેવ સિંહનું કેહવું છે કે 3 મહિના પહેલા તેના કોફી બાર પાર એક ગ્રાહક પાસેથી ખરીદી કરી હતી. આ બંને આ હથિયાર પોતાની પાસે રાખી લોકોને પોલીસ તરીકે ઓળખ આપતા હતા અને દોઢ મહિના પહેલા આ વીડિયો બનાવેલ હોવાનું સામે આવ્યું છે. જોકે પહેલા કોઈ ગુનામાં પકડાયેલ નથી. હાલ ક્રાઈમ બ્રાન્ચ બન્નેની ધરપકડ કરી તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શહેર પોલીસની ઊંઘ અને દિવાળી બગડી હોવાની ત્રણ ઘટનાઓ બની છે. એવી ત્રણ ઘટના કે જે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવાળીમાં પોલીસ પેટ્રોલિંગમાં હોવા છતાં અને સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયા પર નજર રાખતી હોવા છતાંય આ ત્રણ ઘટનાઓ બની હતી. બાપુનગરમાં તલવારથી કેક કાપી ફાયરિંગ કરનાર નવ પકડાયા ત્યારે દાણીલીમડામાં લગ્નમાં ફાયરિંગ કરનાર વરરાજા અને તેનો એક્સ આર્મીમેન મિત્ર પકડાયો.
આ જ દરમિયાન મેઘાણીનગરમાં પણ ફાયરિંગનો બનાવ બન્યો હતો. જોકે, પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. સોશિયલ મીડિયામાં આ ફાયરિંગનો વિડીયો વાયરલ થતા જ પોલીસ ઊંઘમાંથી જાગી હથિયાર ધરાવનાર અને તેના સાળા તથા ભાણીયા સામે ગુનો નોંધી એકની અટકાયત કરી છે. ત્યારે હવે પૂર્વ વિસ્તારની આ ત્રણ ઘટના બાદ ચોથો વિડીયો પશ્ચિમ વિસ્તારનો વાયરલ થયા પોલીસે તપાસ શરૂ કરી છે.