અમદાવાદ: રાજસ્થાનના પાલી ખાતે થયેલા ગમખ્વાર અકસ્માત (Pali accident)માં ગુજરાતના ચાર યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ પીએમ મોદી (PM Modi)એ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તમામ યાત્રિકો ટ્રેક્ટરમાં સવાર થઈને રામદેવપીર (રામદેવરી)ના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત (Pali tractor truck accident) થયો હતો. અકસ્માતમાં ચાર લોકોનાં મોત થઈ ગયા હતા. આ બનાવમાં અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે ચાર લોકોનાં બનાવ સ્થળે મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. મૃત્યાંક વધવાની પૂરી સંભાવના છે.
શુક્રવારે રાત્રે ગુજરાતમાંથી રામદેવપીરના દર્શન જઈ રહેલું એક ટ્રેક્ટર ટ્રકની અડફેટે આવી ગયું હતુ. ટ્રેક્ટરની ટ્રોલીમાં 30થી વધારે યાત્રિકો સવાર હતા. અકસ્માત એટલે જોરદાર હતો કે, ચાર લોકોનાં સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને સ્થાનિકોની મદદથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.