ફોન પર વર્ચ્યુઅલ રીતે શરીર સુખ માણવાની લાલચમાં આવીને લપસી પડેલા અમદાવાદના નવરંગપુરાના ઉદ્યોગપતિના કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં માત્ર ધોરણ-11 પાસ રાજસ્થાનના 22 વર્ષના યુવકે ભેજાબાજી કરીને ઉદ્યોગપતિને ફસાવ્યા હતા. આ શખ્સે ઉદ્યોગપતિને ફસાવ્યા બાદ તેમની પાસેથઈ 2.70 કરોડ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે તાલિમ તાહિરખાન નામના શખ્સની ધરપકડ કરી લીધી છે.
જો આરોપી તાલિમને લાગે કે સામેવાળી વ્યક્તિ તેની જાળમાં ફસાઈ છે તો તે બીજા ફોનમાં છોકરી કપડાં ઉતારતી હોય તેવો વીડિયો બતાવતો હતો. જેથી ફસાઈ રહેલી વ્યક્તિને એવું લાગે કે સામેના છેડે છોકરી નગ્ન થઈને કપડાં ઉતારી રહી છે. આ જોઈને જેવી શિકાર બની રહેલી વ્યક્તિ કપડા ઉતારે કે તેની વીડિયો સ્ક્રીન રેકોર્ડ કરવામાં આવતી હતી.
કઈ રીતે અમદાવાદના ઉદ્યોગપતિ ફસાયા?: રિપોર્ટ્સ મુજબ તારીખ 8 ઓગસ્ટ 2022માં ઉદ્યોગપતિને રાત્રે 10 વાગ્યે રિયા શર્મા તરીકે ઓળખ આપનારી યુવતીનો મેસેજ આવ્યો હતો. યુવતીએ Hi લખ્યાનો જવાબ ઉદ્યોગપતિએ Hello સાથે આપ્યો હતો. આ પછી બન્ને વચ્ચે વાતની શરુઆત થઈ જેમાં યુવતીએ પોતે મોરબીની હોવાનું કહીને વીડિયો કૉલ કર્યો હતો.
યુવતીએ વીડિયો કૉલમાં રંગીન પળો માણવાની ઓફર ઉદ્યોગપતિ સમક્ષ મૂકી હતી. જોકે, ઉદ્યોગપતિએ આમ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આમ છતાં યુવતીએ પોતાના પ્લાન પ્રમાણે ચાલુ વીડિયો કૉલમાં કપડાં ઉતારી નાખ્યા હતા. રિયાએ આ તો માત્ર વીડિયો છે તેમ કહીને અનેક લોકોને કૉલ કરતી હોવાની વાત કહી હતી, આ પછી વેપારીએ પણ પોતાના કપડાં ઉતારી નાખ્યા હતા અને એક મિનિટ સુધી કૉલ ચાલ્યા બાદ યુવતીએ ફોન કાપી નાખ્યો હતો.
વર્ચ્યુઅલ શરીર સુખની લાલચમાં વેપારીએ વીડિયો કૉલ દરમિયાન કપડાં ઉતાર્યા બાદ તેમને જ પોતાનો વીડિયો મોકલીને ધમકીઓ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસની ધમકી, વીડિયો વાયરલ કરવાની ધમકી અને યુવતીએ આપઘાત કરી લીધો હોવાની ધમકી આપીને કરોડો ખંખરવાનું શરુ કર્યું હતું. ઉદ્યોગપતિએ સાયબર સેલને મંગળવારે રાત્રે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસને સફળતા મળી છે.