

ન્યૂઝ18ગુજરાતી : અમદાવાદીઓ જેની રાહ જોતા હતા તેવો નવમા ફલાવર શોનું (Flower show) આયોજન આગામી જાન્યુઆરી મહિનાાં થશે. આ શોની એન્ટ્રી ફી (Entry fee) ગયા વર્ષે 10 રૂપિયા હતી પરંતુ આ વખતે તે વધીને 20 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે શનિ અને રવિવારે આ ફી 50 રૂપિયા ચુકવવી પડશે. 12 વર્ષથી નીચેના બાળકો, સિનિયર સિટિઝન અને વિક્લાંગો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે ફ્લાવર શોની શરૂવાત હતી ત્યારે બધા જ માટે મફત રાખવામાં આવતો હતો આ માટે કોઇપણ વ્યક્તિને કંઇપણ ખર્ચ થતો ન હતો.


વર્ષ 2013થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પછી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2018 સુધી ફ્લાવર શો નિહાળવા માટે દર્શકોને એક રૂપિયાનો પણ ખર્ચો નહતો કરવો પડ્યો. પરંતુ ગયા વર્ષથી ફ્લાવર શો જોવા માટે તમારે વ્યક્તિદીઠ 10 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડ્યો હતો. જે આ વર્ષે વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.


ગત ફ્લાવર શોમાં અલગ-અલગ પ્રકારના ફ્લાવર્સ જોવા મળ્યા હતા. ઓર્કીડ, ઈંગ્લીશ ગુલાબ, કાર્નેશન તેમજ અન્ય ફુલોમાંથી બનાવેલ જીરાફ, બટરફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમિંગો, મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી-પ્લેન, બુલેટ ટ્રેન, ગાંધીજી, ચરખો, ચશ્મા વગેરે જેવી કુલ 50થી વધુ લાઈવ સ્કલપચર જોવા મળ્યાં હતાં.


ગત ફ્લાવર શોની 5 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. શનિ રવિ દરમિયાન ફ્લાવર શો જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ઊમટતા અંધાધૂંધી સર્જાઈ હતી અને કોર્પોરેશન દ્વારા શનિ રવિ એન્ટ્રી ફી 50 રૂપિયા કરી દેવામાં આવી હતી. ફ્લાવર શોમાં સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સ્કૂલ તરફથી લેટરપેડ લઈને આવશે તો વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. સિનિયર સીટીઝન, વિકલાંગો અને 12 વર્ષના બાળકોને ફ્રીમાં એન્ટ્રી આપવામા આવશે. કોર્પોરેશન દ્વારા આ વર્ષે આ ફ્લાવર શો 15 દિવસ માટે યોજાય તેવી શકયતા જણાય રહી છે.


પુસ્તક રસિકો માટે અમદાવાદ મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ બુક ફેરનું આયોજન કર્યુ છે. આગામી 14 નવેમ્બરથી શહેરના રીવરફ્ર્ન્ટ વલ્લભ સદન ખાતે યોજાનાર આ પુસ્તક મેળાની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બુક ફેરમાં 100 સ્ટોલ હશે જેમા વિવિધ પ્રકારના પુસ્તકો જોવા મળશે. આ સાથે પ્રતિદિન સાહીત્ય અંગેના કાર્યક્રમ યોજવામા આવશે. તો બાળકો માટે પણ ખાસ કાર્યક્મ રાખવામા આવશે. આમ તો દર વર્ષે ઉનાળામાં એટલે કે મે માસમાં બુક ફેરનું આયોજન કરવામાં આવતુ હતુ. પણ ગત વર્ષથી શીયાળામા એટલેકે નવેમ્બર માસમા યોજવામા આવે છે.