

અમદાવાદ : શહેરમાં ગુરુવારે સીએએ અને એનઆરસીના વિરોધમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. જે બાદમાં સાંજે શાહઆલમ ખાતે તોફાનો થયા હતા અને પોલીસ પર પથ્થરમારો થયો હતો. શાહઆલમમાં તોફાની તત્વોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાજર પોલીસકર્મીઓ પર એકાએક પથ્થરમારો કરી દીધો હતો. ટોળાઓએ ઘરોના ટેરેસ પરથી પથ્થરમારો કરતા પોલીસકર્મીઓ લાચાર બની ગયા હતા. ચાર હજાર જેટલા ટોળા સામે ફક્ત 50-60 કર્મીઓની હાજરીથી તોફાનીઓ બેકાબૂ બની ગયા હતા.


ટોળાએ પોલીસને દોડીવીને મારી : શાહઆલમ ખાતે જે તોફાનો થયા તેમાં તોફાનીઓએ પોલીસને દોડાવી દોડાવીને માર્યાં હતાં. પથ્થરમારોમાં 20થી વધારે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. મોટાભાગના પોલીસકર્મીઓ પથ્થરમારો થયો ત્યારે લાચાર બની ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. જોકે, આ દરમિયાન એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા કે અમુક લોકો પોલીસ માટે ઢાલ બન્યા હતા.


ચાર-પાંચ પોલીસકર્મી પર ટોળાએ પથ્થરો વરસાવ્યા : શાહઆલમ ખાતેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર-પાંચ પોલીસકર્મીઓ પર ટોળું ધડાધડ પથ્થરો વરસાવી રહ્યું છે. ટોળાથી બચવા માટે પોલીસકર્મીઓ ઉંધા ફરીને ઉભા રહી ગયા હતા. જેમાંથી એક પોલીસકર્મીએ પથ્થરોથી બચવા માટે ખુરશીનો આશરો લીધો હતો. આ દરમિયાન બે-ત્રણ લોકો પોલીસકર્મીઓના બચાવમાં પણ આવ્યા હતા. ટોળાએ પથ્થરમારો કર્યો તે પહેલા બેથી ત્રણ પોલીસકર્મીઓ જીવ બચાવીને બાજુની શેરીમાં ભાગી ગયા હતા.


પોલીસકર્મીઓ સાથીને છોડીના ભાગ્યા! : પથ્થરમારા દરમિયાન એવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા કે પોલીસકર્મીઓ તેમના સાથીને છોડીને પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. જેના કારણે અનેક પોલીસકર્મીઓ ટોળાના હાથમાં આવી ગયા હતા અને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી.


પૂર્વઆયોજિત કાવતરું? : શુક્રવારે બંધના એલાન દરમિયાન શાહઆલન ખાતે તોફાનો થયા. જોત, જોતામાં પોલીસો પર પથ્થરો પાડ્યાં. આ દરમિયાન એવી પણ ચર્ચા ચાલી છે કે આ તોફાનો પૂર્વઆયોજિત હતા. એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે તોફાનીઓ પાસે આટલી મોટી સંખ્યામાં પથ્થરો ક્યાંથી આવ્યા.