

અમદાવાદ શહેરનું નામ સ્વચ્છ શહેરોની યાદીમાં આગળ આવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથાગ પ્રયાસ કરી રહ્યુ છે. શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહી તે માટે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર રસ્તા પર થૂંકનારા લોકો અને ગંદકી કરનારા લોકો સામે આકરા દંડની જાહેરાત કરવામાં આવી છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના અલગ અલગ બ્રિજો અને અન્ડરપાસોની સફાઇ ઝૂંબેશ શરૂ કરી છે.


આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા સોલિડ વેસ્ટ ડિરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યુ હતુ કે, કમિશનર સાહેબની સૂચનાથી મોડી રાત્રે શહેરના છ અન્ડરપાસ અને બ્રિજની સફાઇ હાથ ધરવામાં આવી હતી. તમામ બ્રિજોને પાણીથી ધોવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો નંબર આવે તે માટે આ પ્રયાસો હાથ ધરાયા છે.


ડિરેક્ટરે વધુમાં જણાવ્યુ કે, કમિશનર દ્વારા નિર્ણય કરાયો છે કે જાહેર રસ્તા પર ગંદકી કરતા એકમો અને વ્યક્તિ પાસેથી હવે 5 હજારથી 5 લાખ સુધીનો દંડ વસૂલ કરાશે.


રાત્રી દરમિયાન મધ્ય ઝોનમાં આવેલા સાબરમતી નદી પરના દધીચી ઋષિ બ્રિજ, પશ્ચિમ ઝોન-એલિસબ્રિજ, પશ્ચિમ ઝોન- આઇ આઇ એમ ફ્લાયઓવર બ્રિજ, પશ્ચિમ ઝોન હેલમેટ જંક્શન ફલાયઓવર બ્રિજ, નવા પશ્ચિમ ઝોન શિવરંજની ફ્લાયઓવર બ્રિજ અને સાઉથ ઝોનમાં રેલવે ઓવરબ્રિજ( દક્ષિણી બ્રિજ)ની સફાઇ બાદ પાણીથી ધોવાણ કરવામાં આવ્યુ હતું.