

આગામી મહિને યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ પણ સતર્ક બની ગઇ છે. અમદાવાદ પોલીસે સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેના જશોદાનગર પરથી હથિયારોનો મોટા જથ્થા સાથે ચાર લોકોની ધરપકડ કરી છે. સાથે સાથે ક્રાઇમબ્રાન્ચે આરોપીઓ પાસેથી 18 જેટલા હથિયારો સહિત રવોલ્વર,કારતૂસ સહિતનો રૂ.9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. તેવામાં રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસે સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. જેમાં આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે જશોદાનગર ચોકડી પાસેથી હથિયારો સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રિવોલ્વર, કારતૂસ સહિતનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો છે.


મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 142મી રથયાત્રાને લઈ નિજમંદિરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. એકબાજુ મંદિર પ્રશાસન તરફથી તૈયારીઓનો ધમધમાટ છે. તો રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક છે. અને અમદાવાદમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે અમદાવાદના જશોદાનગરમાં ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ચાર શખ્સોની હથિયારો સાથે ધરપકડ કરી છે.


ક્રાઇમ બ્રાન્ચના બી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરની સુચનાથી નશિલા પદાર્થો, ગેરકાયદે હથિયારોને રોકવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી. જેના પગલે આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બી.વી. ગોહિલના જણાવ્યા પ્રમાણે વસીમ કથેરીને ભાવનગરમાં મર્ડર જેવી ઘટનામાં અંગત અદાવત હતી જેના માટે તેને જરૂર હતી. આ ઉપરાંત વસીમ કથેરી આ બધો મુદ્દામાલ લઇને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ અને રાજકોટ પંથકમાં ગેરકાયદેસર વેચાણ માટે લાવ્યા હતા.