

દેશના આશરે 13 લાખ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા લીક થઈ ગયો છે. આ ડેટા ઓનલાઇન વેચાઈ રહ્યો છે. સિંગાપુર સ્થિત એક ગ્રુપ આઈબી સુરક્ષા સંશોધન (Group IB security research Team)ની ટીમે ડાર્ક વેબ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડના વિવરણના એક ડેટાબેઝની માહિતી મેળવી છે. આ કાર્ડની વિગતોને Joker’s Stash ડાર્કનેટ માર્કેટ પ્લેસ પર વેચવામાં આવી રહી છે. INDIA-MIX-NEW-01ના રૂપમાં ડબ કરવામાં આવેલો ડેટા બે આવૃત્તિ ટ્રેક-1 અને ટ્રેક-2માં ઉપલબ્ધ છે.


નોંધનીય છે કે ટ્રેક-1 ડેટામાં ફક્ત કાર્ડ નંબર હોય છે જે સામાન્ય વાત છે. જ્યારે ટ્રેક-2 ડેટામાં કાર્ડ પાછળ રહેલી મેગ્નેટિક સ્ટ્રિપની માહિતી હોય છે, જેમાં ગ્રાહકની પ્રોફાઇલ અને લેવડ-દેવડની તમામ માહિતી હોય છે.


અમર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે હેકર્સની વેબસાઈટ પર જે જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમાં 98 ટકા માહિતી ભારતીયોની છે. એટલે સુધી કે 18 ટકા જાણકારી તો એક જ બેંકની છે. જોકે, આ બેંકના નામનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી. પ્રાપ્ત વિગત પ્રમાણે દરેક કાર્ડનો ડેટા 100 ડોલર (આશરે 7 હજાર રૂપિયા)માં વેચવામાં આવી રહ્યો છે. એવી આશંકા છે કે હેકિંગ ઉપરાંત એટીએમ અથવા PoS મશીનમાંથી પણ ડેટાની ચોરી કરવામાં આવી છે.


ZDNetના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આ તમામ ડેટા ફક્ત એક જ બેંકનો ન હોવાથી કહી શકાય કે આ સુરક્ષામાં મોટી ચુક છે. ઉલ્લેખનીય છે કે 2016ના વર્ષમાં પણ આવો ડેટા વેચવામાં આવ્યો હતો, જેમાં આશરે 32 લાખ ક્રેડિટ કાર્ડના ડેટાનો સમાવેશ થતો હતો. જે બેંકોનો ડેટા ચોરી થયો હતો તેમાં યશ બેંક, ICICI, SBI સહિત અન્ય બેંકો સામેલ હતી. બાદમાં આ બેંકોએ પોતાના ગ્રાહકોને નવા કાર્ડ આપ્યાં હતાં.


આ જ કારણે રિઝર્વ બેંકે બે વર્ષ પહેલા બેંકોને આદેશ કર્યો હતો કે મેગ્નેટિક ટેપની જગ્યાએ ચીપવાળા કાર્ડનો પ્રયોગ કરે. જોકે, બેંકો હાલમાં આરબીઆઈના આદેશનું સંપૂર્ણ પાલન નથી કરી રહી. એવું નથી કે ફક્ત ભારતીય બેંકો સાથે આવું થઈ રહ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આશરે 20 લાખ અમેરિકન કાર્ડના ડેટાની ચોરી થઈ હતી.