નવી દિલ્હીઃ મે મહિનો પૂરો થવામાં થોડા જ દિવસો બાકી છે. જે બાદ જૂન મહિનાની શરુઆત થશે. દેશમાં દરેક મહિને પહેલી તારીખે કેટલાક ફેરફાર થાય છે. આ ફેરફાર સીધા જ લોકોના ખિસ્સા પર અસર પાડે છે. તેવામાં આ ફેરફાર અંગે તમને પહેલાથી જ જાણકારી હોવી જોઈએ. જેનાથી તમે તૈયાર રહો અને અચાનક કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે નહીં. તો આવો જોઈએ આ વખતે 1 જૂનથી શું ફેરફાર થવા જઈ રહ્યા છે.
દરેક મહિનાની પહેલી તારીખે અથવા તો પહેલા સપ્તાહમાં સીએનજી અને પીએનજી ની કિંમતોમાં ફેરફાર થાય છે. પેટ્રોલિયમ કંપનીઓ ગેસની કિંમતોમાં ફેરફાર કરે છે. જૂન મહિનાની શરુઆતમાં પણ CNG - PNGની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. જૂનમાં સીએનજી પીએનજીની કિંમતોમાં ફેરફારથી તમારા ખિસ્સા પર સીધી અસર પડશે.
દર મહિને ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફાર થાય છે. એપ્રિલ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો હતો. કંપનીઓએ 92 રુપિયા સુધી એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડી દીધા હતા. જ્યારે મે મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મેના રોજ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં આ ઘટાડો કરવામાં આવ્યો હતો.
જો દિલ્હીની વાત કરીએ તો 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હાલ 1856.50 રુપિયા છે. જે પહેલા 2028 રુપિયા હતી. એટલે કે 171.80 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે ઘરમાં ઉપયોગમાં આવતા સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.
ભારતમાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર વાહન 1 જૂન 2023થી મોંઘા થવા જઈ રહ્યા છે. 21 મેના દિવસે જાહેર કરવામાં આવેલ ગેજેટ અનુસાર ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા FAME-II અંતર્ગત મળતી સબસિડીમાં ઘટાડો કરીને 10,000 રુપિયા પ્રતિ વોટ કરી દેવામાં આવી છે. જે પહેલા 15,000 રુપિયા પ્રતિ વોટ હતી. જેના કારણે મોટાભાગના ઈલેક્ટ્રિક વાહનો 25,000થી 35,000 સુધી મોંઘા થઈ શકે છે.