Buy Property Safely: આજના સમયે દેશના મોટાભાગના લોકો માટે ઘરનું ઘર ખરીદવું કે જમીન, દુકાનમાં રોકાણ કરવું મોટી વાત છે. જેથી લોકો મિલકત ખરીદતા પહેલાં ધ્યાન રાખીને પગલાં ભરે છે. પ્રોપર્ટી ખરીદ્યા બાદ ફસાઈ ન જવાય તેવું ધ્યાન રાખે છે.
તમે જે પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો, તેનું યોગ્ય રજીસ્ટ્રેશન હોવું જોઈએ. તમે જેની પાસેથી મિલકત ખરીદી રહ્યા છો, તે પ્રોપર્ટી તેના જ કબજામાં હોવી જોઈએ. જો આવું ન હોય તો આવી પ્રોપર્ટી ખરીદવાથી દૂર રહો.
મિલકતની માલિકીનો વિવાદ પણ તકલીફ ઊભી કરી શકે છે. ઘણી વખત કુટુંબની જૂની પ્રોપર્ટી બાબતે પરિવારમાં આંતરિક માથાકૂટ ચાલતી હોય છે. આ માથાકૂટ કોર્ટ કેસ સુધી પણ પહોંચી શકે છે. ઘણી વખત આવી મિલકતની નોંધણી તો થઈ જાય છે, પરંતુ તેનું સ્ટેટસ Mutation of Property રહે છે. પરિણામે તમે આવી પ્રોપર્ટી ખરીદ્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ જાવ છો.
આ વાતને ઉદાહરણથી સમજીએ. માની લો કે તમે લીધેલી મિલકત તમારા પહેલા ત્રણ લોકો પાસે હતી. તેમાંથી કોઈ એકે કોર્ટમાં કેસ દાખલ કર્યો હોય અને તમારી પાસે યોગ્ય પેપર ન હોય તો તકલીફ ઊભી થઈ શકે છે.
ઘર જમીન કે અન્ય મિલકત જેના નામ પર હોય તેના પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ઉદાહરણ તરીકે મિલકત પિતાના નામે હોય અને વેચાણ તેમનો દીકરો કરી રહ્યો હોય તો આવી બાબતથી દૂર રહો. આવી મિલકતમાં તમે ફસાઈ શકો છો. અહીં તમારે ધ્યાન રાખવું જોઈએ કે જે વ્યક્તિ તમને મિલકત વેચી રહ્યો છે, તેની પાસે પાવર ઓફ એટોર્ની છે કે રજિસ્ટ્રી! જો પાવર ઓફ એટોર્ની છે, તો શું તેની પાસે પ્રોપર્ટી વેચવાનો અધિકાર છે કે કેમ તે પણ તપાસી લેવું જોઈએ.