વિદેશમાં નોકરી કરવા માંગતા લોકો માટે મોટી તક આવી છે. કેનેડાની સરકારે વ્હાઇટ કોલર જોબ માટે જાહેરાત આપી છે. આ નોકરી કેનેડિયન ફોરેન ડિપાર્ટમેન્ટની છે. કેનેડાની સરકારે ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ (IRCC) વિભાગ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. આ નોકરી માટે ભારત સહિત અલગ અલગ દેશોના લોકો એપ્લાય કરી શકે છે.
કેનેડાની સરકારની આ નોકરી માટે સેલરી પેકેજ પણ ખૂબ જ સારું છે. આ ઉપરાંત કર્મચારીઓની નિમણૂંક અને તૈનાતી ભારત સહિત ઘણા દેશોમાં થઈ શકે છે. જેથી કેનેડાની સરકારની આ ભરતીઓમાં ભારતના લાયક ઉમેદવારો માટે મોટી તક બની શકે તેવું કહી શકાય. અહીં યોગ્યતા અને અરજી સાથે સંબંધિત નિયમો અને શરતો અંગે જાણકારી આપવામાં આવી છે.
કેનેડાની સરકાર સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આ ખાલી જગ્યાઓ માટે મસમોટા પગારની ઓફર કરી રહી છે. આ નોકરીનું પેકેજ ધોરણ દર વર્ષે 72,292 ડોલર (43,47,135 રૂપિયા)થી લઈને 91,472 ડોલર (55,00,486 રૂપિયા) સુધીનું છે. રસ ધરાવતા ઉમેદવારો કેનેડિયન સરકારની વેબસાઇટ પર અરજી કરી શકે છે.
કેનેડાના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ (આઇઆરસીસી) વિભાગમાં કામ કરવા રસ ધરાવતા ઉમેદવારોએ એપ્લિકેશન પ્રોસેસિંગ, રિસ્ક એસેસમેન્ટ, એન્ગેજમેન્ટ અને માઇગ્રેશન ડિપ્લોમસી જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળવાની રહેશે. આ ઉપરાંત ઉમેદવાર પાસે કાયદાની સમજ અને વૈશ્વિક સ્તરે કેનેડાના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે જરૂરી જ્ઞાન હોવું આવશ્યક છે.
નોકરી માટે અરજી કરનારા રસ ધરાવતા ઉમેદવારો અંગ્રેજી અને ફ્રેન્ચ બંને ભાષામાં પણ નિપુણ હોવા જોઈએ. અરજદાર આ ભાષા જાણતા ન હોય તો તેમને લેન્ગવેજ ટ્રેનીંગ લેવી પડશે.
આ નોકરી માટે અરજદારો પાસે વિદેશમાં કામ કરવાનો કે અભ્યાસ કરવાનો અનુભવ, વિદેશી ભાષાઓમાં નિપુણતા, રિપોર્ટ લેખનનો અનુભવ, જાહેરમાં બોલવાની આવડત, સોશિયલ મીડિયાનો ઉપયોગ અને મોટા ડેટા વિશ્લેષણનું જ્ઞાન પણ હોવું જોઈએ.
નિયુક્તિ બાદ ઉમેદવારોને ભારત, ચીન, ફિલિપાઇન્સ, મેક્સિકો, તુર્કી, સેનેગલ વગેરે જેવા વિવિધ સ્થળોએ પોસ્ટ કરવામાં આવી શકે છે. પોસ્ટ રોટેશનલ હોવાથી કર્મચારીઓને દર 2-4 વર્ષે વિભાગના નિયમ પ્રમાણે પોતાનું કામ બદલવું પડશે. નોકરી માટેની અરજી પ્રક્રિયા છેલ્લી તારીખ સુધી ખુલ્લી રહેશે.