કેતન જોશી/ અમદાવાદઃ આમ તો ગુજરાતનો કચ્છ પ્રદેશ તેના કેરી, દાડમ અને ખારેકના પાક માટે પ્રખ્યાત છે, પરંતુ હવે તેમાં એક નામ ઉમેરાયું છે અને તે છે ચેરી ટામેટા.
હરેશભાઈ ઠક્કર કચ્છ જિલ્લાના ભુજ અને અંજાર વચ્ચેના કુપમા ગામમાં આધુનિક ખેતી કરે છે. હરેશભાઈએ અમને જણાવ્યું કે "અમે ઈઝરાયેલ ગયા ત્યારે અમારું ધ્યાન નાના ટામેટા તરફ ખેંચાયું હતું અને મોટી હોટલોમાં લોકો આ ચેરી ટમેટાંને સલાડમાં ખાતા હતા. લોકોએ કહ્યું કે તેને ચેરી ટમેટાં કહેવામાં આવે છે. અમે ફી ચૂકવીને ચેરી ટામેટાંનો બગીચો જોવા ગયા. ચેરી ટામેટાંની ખેતી કેવી રીતે કરવી તે શીખ્યા અને પછીથી તેને ભારતમાં અમારા ખેતરમાં ઉગાડી અને લાખો રૂપિયા કમાયા.
હરીશ ભાઈ કહે છે કે "આજે અમે એક એકરમાં એક ચેરી પાકમાં 7 થી 8 લાખ રૂપિયા કમાઈએ છીએ. વર્ષમાં બે થી ત્રણ વાર પાક લઇ શકાય છે. અમે દરેક પાકમાં દેશી છાણીયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત મજૂરી અને અન્ય ખર્ચ બે લાખ આવે છે. ખર્ચ બાદ કરતા ચોખ્ખો નફો રૂ.8 લાખ છે.
ચેરી ટમેટાની ખેતી કચ્છ સહિત ગુજરાતના અમુક વિસ્તારોમાં જ થાય છે. સમગ્ર ગુજરાતમાં ચેરી ટામેટાંનું વેચાણ કરતી અમદાવાદની ઓમકાર એજન્સીના પ્રમોટર સુનિલ ભાઈ ગુલબાની કહે છે કે "ચેરી ટામેટાંની ખૂબ જ માંગ છે. તે વિટામિન સીથી ભરપૂર છે. ફાઈબર પણ મોટી માત્રામાં છે. બીપી અને હૃદયની બીમારીના દર્દીઓ પણ આ ટામેટાનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે કચ્છના ચેરી ટામેટાંમાં કોઈ રાસાયણિક ખાતર નથી વપરાતું, પરંતુ ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે.
ચેરી ટામેટાની ખેતી ખુલ્લામાં નહીં પરંતુ માત્ર નેટ હાઉસમાં થાય છે. ચેરી ટમેટાંને ટપક સિંચાઈ દ્વારા પાણી આપવામાં આવે છે. પાક 45 દિવસમાં તૈયાર થાય છે. વર્ષના 10 મહિના ચેરી ટામેટાનો પાક લઇ શકાય છે. ઉનાળાની ઋતુમાં આવક ઘટી જાય છે. નેટ હાઉસ, ટપક સિંચાઈ અને અન્ય ખર્ચ 30 લાખ આવે છે પરંતુ જો સરકારી સબસીડીની રકમ બાદ કરી તો ખેડૂતે માત્ર 12 થી 15 લાખનો ખર્ચ કરવો પડે છે જે માત્ર એક જ વાર થાય છે.
જ્યાં સામાન્ય ટામેટા રૂ. 8-10 પ્રતિ કિલોના ભાવે મળે છે, ત્યાં ચેરી ટામેટાં રૂ.100 પ્રતિ કિલોના ભાવે મળે છે. ચેરી ટામેટા હવે મોટા મોલમાં ઉપલબ્ધ છે. લીચી ટામેટાં લાલ, પીળા, જાંબલી રંગના હોય છે. તે ગોળાકાર અને વર્ટિકલ રાઉન્ડ વાળા હોય છે. ચેરી ટામેટા નાની સાઈઝના હોય છે પરંતુ તેના ફાયદા અનેક ગણા છે.