બ્લુ ઓઇસ્ટર મશરૂમની ખેતી માટે સૌ પ્રથમ એક વિશેષ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે. જે ખેતીના અવશેષો જેમ કે સોયાબીનના છાલ, ઘઉંનું ભૂસું, ડાંગરનું ભૂસું, મકાઈની દાંડી, તલ, તુવર, બાજરી, શેરડીની છાલ, સરસવનો ભૂસો, કાગળનો કચરો, કાર્ડબોર્ડ, લાકડાનો વહેર વગેરે વાપરીને તૈયાર કરી શકાય છે. આ બાદ તેને પોલીથીન બેગમાં ભરીને વાવણી માટે સારી રીતે તૈયાર કરવામાં આવે છે.
હવે બધી કોથળીઓનું મોં બાંધી પછી બધી કોથળીઓમાં 10-15 છિદ્રો કરી દેવામાં આવે છે અને અંતે તેને અંધારા અને એકાંત હોય તેવા રૂમમાં બંધ કરી દેવામાં આવે છે. નિષ્ણાંતોના મતે, 15થી 17 દિવસમાં પ્લાસ્ટિકની થેલીમાં મશરૂમની જાળ સંપૂર્ણપણે ફેલાઈ જશે, લગભગ 23થી 24 દિવસ પછી તે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે, જેને તોડી શકાય છે.
બિહાર સરકારના કૃષિ વિભાગ, બાગાયત નિદેશાલય દ્વારા સંકલિત બાગાયત વિકાસ મિશન હેઠળ મશરૂમની ખેતી માટે 50 ટકા સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મશરૂમ ઉત્પાદન એકમની કુલ કિંમત 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ ખર્ચના 50 ટકા એટલે કે 10 લાખ રૂપિયા આપે છે. આ રીતે ખેડૂતોને 10 લાખ સુધીની સબસિડી આપવામાં આવે છે.
ખેતીની તાલીમ તમામ કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ સંશોધન કેન્દ્રોમાં આપવામાં આવે છે. જ્યાંથી ખેતીની તાલીમ લઈને મોટા પાયે ઉત્પાદન કરી શકાય છે. આ તાલીમ શિબિરોમાં મશરૂમની ખેતી, મશરૂમના વેચાણ માટેનું બજાર વગેરેની માહિતી આપવામાં આવે છે.
તમે સરકારી કૃષિ કેન્દ્રમાંથી મશરૂમના બીજ ખરીદી શકો છો, સાથે સાથે ખાનગી નર્સરીમાંથી પણ બીજ ખરીદી શકાય છે. જો કે, હવે બીજ ઓનલાઈન સાઈટ પર પણ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે મશરૂમના બીજ 75થી 80 રૂપિયા પ્રતિ કિલોમાં મળશે, પરંતુ કેટલીકવાર બીજની કિંમત બ્રાન્ડ અને વિવિધતા પર આધારિત હોય છે.
બ્લુ ઓઇસ્ટર મશરૂમ બજારમાં રૂ.150થી 200 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આમાં તમે ખેતીમાંથી સારી કમાણી કરી શકો છો. મશરૂમ પાઉડર બનાવી તેને પણ બજારમાં સરળતાથી વેચી શકાય છે. આ પાવડરનો ઉપયોગ બોડી બિલ્ડિંગ માટે હેલ્થ સપ્લિમેન્ટ્સમાં ખૂબ મોટા પાયે કરવામાં આવે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)