ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા પહોંચ્યો માલ્યા, ભારત પરત ફરવા પર આપ્યો આ જવાબ

વિજય માલ્યા (ફાઇલ તસવીર)

ગત વર્ષે ચેમ્પિયન ટ્રોફી દરમિયાન પણ વિજય માલ્યા મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો.

 • Share this:
  લંડનઃ ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને બ્રિટન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાએ ભારત પરત ફરવાના સવાલ પર કહ્યું કે, આ અંગેનો નિર્ણય ન્યાયાધીશ લેશે.

  શુક્રવારે માલ્યા લંડનના ઓવલ મેદાનમાં યોજાયેલી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે આવી પહોંચ્યો હતો. ક્રિકેટ સ્ટેડિયમ બહાર જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેઓ ભારત પરત જશે તો તેણે કહ્યું કે, "જજ નિર્ણય લેશે."

  ગત વર્ષે ચેમ્પિયન ટ્રોફી દરમિયાન પણ વિજય માલ્યા મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન ભારતીય ફેન્સે વિજય માલ્યાનો હુરિયો બોલાવ્યો હતો.

  નોંધનીય છે કે કિંગફિશર એરલાઇનના પૂર્વ માલિક વિજય માલ્યા પર બેંકો સાથે રૂ. 9000 કરોડની છેતરપિંડીનો આરોપ છે, હાલ તેના પર બ્રિટનમાં પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. ગત વર્ષે લંડનમાં માલ્યાની ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ તે જામીન પર છૂટી ગયો હતો.

  ઈડીએ અત્યાર સુધી માલ્યાની રૂ. 13,500 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી છે. થોડા દિવસો પહેલા માલ્યાએ પ્રત્યાર્પણ વિરુદ્ધ ભારતીય જેલોની બદતર સ્થિતિનો હવાલો આપતા અરજી કરી હતી. આ અંગે બ્રિટનની કોર્ટે ભારત પાસેથી માલ્યાને જે કોર્ટમાં રાખવામાં આવશે તેની તસવીરો મોકલવા કહ્યું હતું. જે બાદમાં ભારત સરકારે મુંબઈના આર્થર રોડ જેલની તસવીરો રજૂ કરી હતી. બાદમાં વેસ્ટમિન્સ્ટર કોર્ટે સીબીઆઈને જેલનો વીડિયો મોકલવાનું કહ્યું હતું. જે બાદમાં આર્થર રોડ જેલનો વીડિયો કોર્ટને સોંપવામાં આવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: