ન્યૂઝ18 ગુજરાતી: ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ લોકો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. દરેક રાહુલ ગાંધીના નેતૃત્વને જીતનું કારણ માની રહ્યા છે. હિન્દી બેલ્ટમાં આ ભાજપની મોટી હાર છે ત્યારે લંડનથી માલ્યાએ બળતામાં ઘી હોમ્યું છે. આ દરમિયાન વિજય માલ્યાએ ટ્વીટ કરી સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને જીતના અભિનંદન આપ્યા છે. વિજય માલ્યાએ ટ્વીટ કરી લખ્યું કે, યુવા ચેમ્પિયન, સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને અભિનંદન.
ઉલ્લેખનીય છે કે, વિદેશ ભાગી ગયેલી લિકર કિંગ વિજય માલ્યાના ભારત પ્રત્યર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે. માલ્યા પીએનબી સહિત દેશની અનેક મોટી બેંકોના 9,000 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે વિજય માલ્યાને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી છે.
માલ્યાની પાસે પ્રત્યર્પણની વિરુદ્ધ અપીલ કરવા માટે 14 દિવસનો સમય હશે. નોંધનીય છે કે ભારતીય તપાસ એજન્સીઓ માલ્યાને પ્રત્પર્પિત કરી સ્વદેશ પરત લાવવાના પ્રયાસ છેલ્લા ઘણા સમયથી કરી રહી હતી.