Home /News /world /

બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેની બ્રેક્સિટ ડીલને બ્રિટનની સંસદે નકારી દીધી

બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેની બ્રેક્સિટ ડીલને બ્રિટનની સંસદે નકારી દીધી

થેરેસા મે (ફાઇલ તસવીર)

બ્રિટનમાં લોકતંત્રની શરૂઆત થયા બાદ કોઈ પણ વડાપ્રધાનને મળેલી હારમાં આ હાર સૌથી મોટી છે.

  લંડનઃ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેનો બ્રેક્સિટને પાસ કરાવવાનો અંતિમ પ્રયાસ પણ અસફળ રહ્યો છે. બ્રિટનમાં લોકતંત્રની શરૂઆત થયા બાદ કોઈ પણ વડાપ્રધાનને મળેલી હારમાં આ સૌથી મોટી હાર છે. બ્રિટનના સાંસદોએ 230ની બહુમતિથી થેરેસા મેની બ્રેક્સિટ ડીલને નકારી દીધી હતી. આ હાર બાદ વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો છે.

  થેરેસાના સમર્થનમાં 202 સાંસદોએ વોટિંગ કર્યું હતું, જ્યારે તેના વિરોધમાં 432 સાંસદોએ વોટિંગ કર્યું હતું.  ત્યાં સુધી કે આ મતદાનમાં થેરેસા મેની કન્ઝર્વેટિવ પાર્ટીના 118 સાંસદોએ વિપક્ષ સાથે મળીને ડીલની વિરોધમાં વોટિંગ કર્યું હતું. જોકે, સામે એ વાત પણ સાચી છે કે વિપક્ષી લેબર પાર્ટીના ત્રણ સાંસદોએ ડીલનું સમર્થન કરીને તેની તરફેણમાં મતદાન કર્યું હતું. બ્રેક્સિટ ડીલમાં મળેલી હાર બાદ બ્રિટનના વિરોધ પક્ષ લેબર પાર્ટીએ થેરેસા મે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ મૂક્યો છે.

  નોંધનીય છે કે બ્રેક્સિટમાંથી નીકળવા માટે 29મી માર્ચની તારીખ આપવામાં આવી હતી.

  અલગ અલગ પાર્ટીના સાંસદોએ અલગ અલગ કારણને લઈને આ કરારનો વિરોધ કર્યો હતો. જોકે, થેરેસા મેએ આ અંગે સાંસદોને ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો.

  થેરેસા મેએ આ મામલે પહેલા કહ્યું હતું કે જ્યારે ઇતિહાસ લખવામાં આવશે ત્યારે લોકો સંસદના નિર્ણયને યાદ કરીને પૂછશે કે શું આપણે યૂરોપિયન યુનિયનને છોડવા માટે મતદાન કર્યું હતું કે નહીં? કે પછી આપણે દેશની જનતાને નિરાશ કરી હતી.

  ઉલ્લેખનીય છે કે 18 મહિના સુધી ચાલેલી વાતચીતની પ્રક્રિયા બાદ નવેમ્બરમાં યૂરોપિયન યુનિયન સાથે બેક્સિટ કરાર પર સહમતિ થઈ હતી.

  ડિસેમ્બરમાં કરારને લઈને નીચલા હાઉસ (હાઉસ ઓફ કોમન્સ)માં મતદાન થવાનું હતું, પરંતુ હારના ડરને કારણે મતદાનને ટાળી દેવામાં આવ્યું હતું. જે બાદમાં થેરેસા મે સાંસદોને સમજાવી રહ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: BRITAIN, UK, બ્રેગ્ઝિટ, વડાપ્રધાન, સાંસદ

  આગામી સમાચાર