Welcome to America: દુનિયાભરમાં ચર્ચા જગાવનાર બાળકી TIMEના કવરપેજ પર

News18 Gujarati
Updated: June 22, 2018, 9:51 AM IST
Welcome to America: દુનિયાભરમાં ચર્ચા જગાવનાર બાળકી TIMEના કવરપેજ પર
ટાઇમ મેગેઝિને કવરપેજ પર બાળકીની તસવીર છાપીને લખ્યું છે, અમેરિકામાં તમારું સ્વાગત છે

  • Share this:
હોન્ડુરસની એક બે વર્ષની બાળકી અઠવાડિયાથી દુનિયાભરના મીડિયામાં છવાયેલી રહી છે. પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિને તેને આગામી અંકના પ્રથમ પાને સ્થાન આપ્યું છે. મેગેઝિને બાળકીને મૂળ તસવીરને ક્રોપ કરીને તેને ટ્રમ્પની સામે ઉભેલી બતાવી છે. તો બીજી તરફ સાથે જ બાળકીના પિતા હોવાનો દાવો કરનાર એક વ્યક્તિએ જણાવ્યું છે કે તેની દીકરીને તેની માતાથી વિખુટી પાડવામાં આવી ન હતી.

બે વર્ષની બાળકીની માતા ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવા જતાં યુએસ-મેક્સિકો બોર્ડર ખાતે બોર્ડર સુરક્ષા દળના હાથે ઝડપાઇ ગઈ હતી. સુરક્ષા જવાનો તેની માતાની તલાશી લઈ રહ્યા હતા ત્યારે તેની બે વર્ષની બાળકી રડી પડી હતી. આ તસવીર અમેરિકાની "નો ટોલરન્સ" બોર્ડર ઇમિગ્રેશન નીતિની પ્રતિકરૂપ બની ગઈ હતી. અનેક મીડિયામાં આ તસવીર પ્રસિદ્ધ થયા બાદ ટ્રમ્પ સરકારની બાળકોને માતાપિતાથી વિખુટા કરી દેવાના નિયમ સામે વિરોધનો વંટોળ ઉભો થયો હતો, અને તેના જ પરિણામ બુધવારે ટ્રમ્પે આ નિયમ રદ કરવાની જાહેરાત કરવી પડી હતી.

બાળકીના પિતા ડેનિસ વલેરાએ ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "મારી દીકરી યુએસ બોર્ડર ખાતે બાળકોને માતાપિતાથી વિખુટા પાડવાની ટ્રમ્પની નીતિની પ્રતિકરૂપ બની છે. કદાચ તેણે ટ્રમ્પનું દીલ જીતી લીધું હશે. બોર્ડર પર તેને મારી પત્નીથી અલગ કરવામાં આવી ન હતી."

માતાની તલાશી લેવાતા બાળકી રડી પડી હતી


માઇગ્રન્ટ બાળકીની એ તસવીર જેણે ફોટોગ્રાફરને હચમચાવી નાખ્યો

અત્યાર સુધી લાખો લોકો આ તસવીરને જોઈ ચુક્યા છે. કદાચ તમે પણ આ તસવીર જોઈ હશે. ટ્રમ્પ વહીવટતંત્રની "નો ટોલરન્સ" બોર્ડર નીતિની પ્રતિકરૂપ બની ગયેલી આ તસવીર ગત મંગળવારે ગેટી ઇમેજના ફોટોગ્રાફર જ્હોન મૂરેએ ક્લિક કરી હતી. આ નીતિ હેઠળ હજારો બાળકોને તેમના માતાપિતાથી અલગ કરી દેવામાં આવ્યા છે. આ તસવીર લીધા બાદ મૂરેએ ઉંડો શ્વાસ લીધો હતો, તે અંદરથી હચમચી ગયો હતો. કદાચ તેની સાથે પ્રથમવાર આવું થયું હતું.ગેટી ઇમેજ માટે ફોટોગ્રાફી કરતો મૂરે આ પહેલા યુદ્ધ, માહામારી તેમજ દુનિયાભરના રેફ્યુજી કેમ્પ્સની ફોટોગ્રાફી કરી ચુક્યો છે. પરંતુ આ કદાચ તેની કારકિર્દીનો સૌથી યાદગાર અને અસરકારક તસવીર છે. અમેરિકામાં જ્યોર્જ ડબલ્યૂ બૂશના શાસન બાદથી તે માઇગ્રન્ટ કટોકટીની ફોટોગ્રાફી કરી રહ્યો છે.

કેવી રીતે ક્લિક થઈ આ તસવીર?

એ રાતનો સમય હતો. મૂરે તેમજ યુએસ બોર્ડર પર ફરજ બજાવતા એજન્ટ્સ મેક્સિકો અને યુએસને અલગ કરતી રીઓ ગ્રાન્ડે નદીના કાંઠે હાજર હતા. રાત્રે તેમને કોઈ અવાજ સંભળાયો. આ અવાજ કોઈ બોટનો હતો, જે નદી પાર કરીને અમેરિકા તરફ આવી રહી હતી. બોટ કિનારે પહોંચી અને તેમાંથી ડઝનેક જેટલા લોકો ઉતાર્યા અને તમામ આમતેમ ભાગવા લાગ્યા. જોકે, બોર્ડર પર હાજર ગાર્ડ્સે તેમને પકડી પાડ્યા. પકડાયેલા આ લોકોમાં 8-10 વર્ષના બાળકો, મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. એ અંધારી રાત હોવાથી મૂરે માટે ફોટોગ્રાફી કરવી અશક્ય કામ હતું.

બે વર્ષની બાળકીની તસવીરે આખા વિશ્વમાં ચર્ચા જગાવી હતી


આ તમામ ઘટનાક્રમ વચ્ચે મૂરેને એક મહિલા નજરે પડી જે પોતાના બે વર્ષના બાળકને રસ્તાની વચ્ચે સ્તનપાન કરાવી રહી હતી. આસપાસ અંધારુ હતું અને ભાગી શકાય તેમ ન હોવાથી તે પેટ્રોલિંગ વાહનના અજવાળે જ રસ્તા વચ્ચે બેસીને બાળકને દૂધ પીવડાવી રહી હતી. બોર્ડર પેટ્રોલિંગ ટીમ સાથેના તેના કરાર પ્રમાણે મૂરે કોઈ પણ ઘૂસણખોર સાથે વાતચીત કરી શકે નહીં. પરંતુ આ વખતે તેણે હિંમત કરીને મહિલા સાથે વાતચીત કરી.

મૂરેએ આ મહિલાની આંખો સાથે આંખ મિલાવીને તેની અમુક તસવીરો પણ લીધી. તેને ખબર પડી હતી કે મહિલા હોન્ડારસથી આવી હતી. મૂરેએ આ પહેલા ત્યાં ફોટોગ્રાફી કરી હોવાથી તે મહિલાની પરિસ્થિતિ વિશે અંદાજ લગાવી શકતો હતો.

બોર્ડર એજન્ટ્સ એક પછી એક તમામ લોકોની તલાશી લઈ રહ્યા હતા. તેમની પાસે રહેલી તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવતી હતી. એટલે સુધી કે તેમના હેરબેન્ડ્સ, બેલ્ટ્સ, પૈસા, હાથની વીંટીઓ, અને જૂતાઓની લેસ પણ લઇ લેવામાં આવતી હતી.

બાળકીની તસવીર ક્લિક કરનાર જ્હોની મૂરે


મહિલાએ પણ પોતાની પાસે રહેલી તમામ વસ્તુઓ એક થેલીમાં ભરીને સુરક્ષા એજન્ટ્સને આપી દીધી હતી. હવે તપાસનો વારો તેનો હતો. મૂરે એ વખતે તેનાથી છ ફૂટ જ દૂર ઉભો હતો. મૂરે પણ આ મહિલાની તસવીર ક્લિક કરીને પોતાની હોટલ પરત ફરવા માંગતો હતો. સુરક્ષા એજન્ટ્સના આદેશ બાદ મહિલાએ તેની બે વર્ષની દીકરીને નીચે મૂકી દીધી. બાદમાં એજન્ટ્સે તેની તલાશી લેવાનું શરૂ કર્યું હતું. આ સમયે જ એકાએક તેની બે વર્ષની દીકરી રડવા લાગી હતી.

આ વખતે મૂરેએ બે તસવીરો ક્લિક કરી હતી. મૂરેની આ બંને તસવીરો ટ્રમ્પના નવા નિયમ બાદ અમેરિકા-મેક્સિકો બોર્ડર પર શું બની રહ્યું છે તેની પ્રતિકરૂપ બની ગઈ છે. આ તસવીર બાદ સુરક્ષા એજન્ટ્સ મહિલા અને તેની દીકરીને એક વાનમાં લઈને ગયા હતા. ત્યાર બાદથી મૂરેની તેમની સાથે ક્યારેય મુલાકાત નથી થઈ. આ તસવીર ક્લિક કરતી વખતના અનુભવ વિશે મૂરીએ જણાવ્યું હતું કે, "મારી ધડકન વધી ગઈ હતી. છેલ્લા ઘણા વર્ષોમાં આવી લાગણી ક્યારેય નહોતી જન્મી. મેં યુદ્ધના દિવસો પણ યાદ કરીને જોયું કે ક્યારેય મારી અંદર આવી લાગણી જન્મી હતી કે નહીં. મને નથી ખબર કે તે બંને સાથે શું થયું હશે. હું માનું છું કે બંનેને અલગ કરી દેવામાં આવ્યા હશે."
First published: June 22, 2018
વધુ વાંચો
अगली ख़बर