ઇસ્લામાબાદ : સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બીન સલમાનની પાકિસ્તાન મુલાકાત પહેલા તેનો પાંચ ટ્રક ભરીને સામાન ઇસ્લામાબાદ પહોંચી ગયો છે. સાઉદી પ્રિન્સ બે દિવસથી પાકિસ્તાનની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસની મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે અનેક કરારો થવાની શક્યતા જોવામાં આવી રહી છે.
સાઉદી પ્રિન્સ આ અઠવાડિયે પાકિસ્તાન આવી પહોંચી તેવી શક્યતા છે. જોકે, સુરક્ષાના કારણોસર તેની પાકિસ્તાન મુલાકાતની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.
પાકિસ્તાનના વર્તમાનપત્ર ડોન ન્યૂઝના જણાવ્યા પ્રમાણે ક્રાઉન પ્રિન્સના આગમન પહેલા તેની વ્યક્તિગત વસ્તુઓ જેવી કે જીમના સાધનો, ફર્નિચર સહિતની પાંચ ટ્રક ભરીને વસ્તુઓ ઇસ્લામાબાદ પહોંચી ગઈ છે. ડોન ન્યૂઝ પેપરે સાઉદી દૂતાવાસના સૂત્રોના હવાલેથી આ માહિતી આપી હતી.
સાઉદી પ્રિન્સની સુરક્ષા ટીમ તેમજ તેના મીડિયા પ્રતિનિધિઓ પણ તેની મુલાકાત પહેલા પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં પહોંચી ગયા છે.
ક્રાઉન્સ પ્રિન્સ તરીકે મોહમ્મદ બીન સલમાનની પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા તેમણે સંરક્ષણ મંત્રી તરીકે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.
એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સાઉદી પ્રિન્સ બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નિવાસ્થાન ખાતે રોકાશે. જ્યારે તેના સ્ટાફ માટે ઇસ્લામાબાદની બે ટોચની હોટલો બુક કરવામાં આવી છે. જ્યારે બીજી બે હોટલ અડધી બુક કરવામાં આવી છે.
પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને આર્મીના અન્ય ઉચ્ચ નેતાઓ સાથે બેઠક કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર