પાકિસ્તાનની (Pakistan) પોપ સિંગર રબી પીરજાદા (Rabi Pirzada)ને પીએમ મોદીને ( PM Modi)ધમકી આપવી ભારે પડી શકે છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના કારણે પીએમ મોદીને ધમકી આપનાર પાકિસ્તાની પોપ સિંગર રબી પીરજાદાને જેલની સજા થાય તેવી સંભાવના છે. લાહોરમાં પોતાના બ્યૂટી સલુનમાં ખતરનાક જાનવરોને પાલતું જાનવરોના રુપમાં રાખવા બદલ પાકિસ્તાનની પોપ સ્ટાર સામે કાનૂની કાર્યવાહી શરુ થઈ ગઈ છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વન્યજીવ સંરક્ષણ અને ઉદ્યાન વિભાગે રબી પીરજાદાની બ્યૂટી સલૂનમાં ખતરનાક જાનવરો રાખવા સામે કાનૂની કાર્યવાહી શરુ કરી છે. વિભાગે વન્યજીવ અધિનિયમનું ઉલ્લંઘન કરવા માટે લાહોરની એક સ્થાનિક કોર્ટમાં રબી પીરજાદા સામે ચાલાન પણ રજુ કર્યું છે. રબી પીરજાદાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વીડિયોમાં તે અજગર અને મગર સાથે જોવા મળી હતી.
વીડિયોમાં રબી પીરજાદા કહી રહી હતી કે હું કાશ્મીરી યુવતી પોતાના સાપ સાથે બિલ્કુલ તૈયાર છું. બધા નરેન્દ્ર મોદી માટે છે. તમે કાશ્મીરીઓને પરેશાન કરી રહ્યા છો તો હવે નર્કમાં મરવા માટે તૈયાર થઈ જાવ. મારા બધા મિત્રો શાંતિ ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે રબી પાકિસ્તાનની પોપ સિંગર છે અને ઘણા ટેલિવિઝન શો પણ હોસ્ટ કરી ચૂકી છે. રબીનું નામ 2017માં લાઇમલાઇટમાં આવ્યું હતું જ્યારે તેણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અને સલમાનનો વિરોધ કર્યો હતો. રબી થોડા દિવસો પહેલા કાશ્મીર વિવાદ ઉપર એક ગીત ગાવાના કારણે પણ ચર્ચામાં રહી ચૂકી છે.