વર્ષો પહેલાં એક અખબારી અહેવાલમાં એક મહિલાએ એવું કહ્યું હતું કે જ્યારે તેને ખ્યાલ આવ્યો કે ચોમ્સ્કી નામે બે અલગ અલગ વ્યક્તિ નથી, પણ એક જ માણસ છે, ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું હતું. કારણ કે આ માણસે એક નહીં પણ બે ક્ષેત્રોમાં સાથે કામ કર્યું છે અને બંનેમાં અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. ભાષાવિજ્ઞાનમાં તેમણે છેલ્લાં ૨૫૦૦ વર્ષના (એટલે કે પાણિનિ પછી) સૌથી મહત્ત્વના વ્યાકરણશાસ્ત્રી માનવામાં આવે છે. રાજકીય ચળવળશાસ્ત્રમાં થોડા વધારે દાવેદારો સ્પર્ધામાં છે, પણ એકંદરે વીસમી સદીના ઉત્તરાર્ધમાં અને એકવીસમી સદીની શરૂમાં દુનિયાભરમાં એમનું કામ ઘણું વિશાળ અને મહત્ત્વનું રહ્યું છે. માટે ન્યૂયૉર્ક ટાઇમ્સે એક વાર તેમને આપણા સમયના સૌથી મહાન ‘પબ્લિક ઇન્ટલેક્ચ્યુઅલ’ ગણાવ્યા છે. અહીં રાજકારણ પર જ ભાર આપીએ.
ચોમ્સ્કીએ જાહેરજીવનમાં જ્યાં-ત્યાં, જ્યારે જ્યારે દરમિયાનગીરી કરી છે, તે નોંધીએ તો છેલ્લા છ દાયકામાં ક્યાં-ક્યાં સત્તાનો દુરુપયોગ, અન્યાય, લોકોના ભોગે નફાખોરી, પત્રકારત્વના નામે છળ થયાં છે, તેની પૂરી યાદી થાય.
સાઠના દશકામાં જ્યારે અમેરિકાએ વિયેતનામમાં દખલ શરૂ કરી ત્યારે ચોમ્સ્કી પહેલી વાર ભાષાવિજ્ઞાનમાંથી સમય કાઢીને રાજકીય વિરોધ અને અસહમતિના રસ્તે આવ્યા. પહેલાં ૧૯૬૨માં, પણ વ્યાપક રીતે ૧૯૬૭માં, જ્યારે તેમનો નિબંધ, ‘બૌદ્ધિકોની જવાબદારી’, પ્રગટ થયો. તેમાં એમણે લખ્યું, “સાચું બોલવું અને જુઠ્ઠાણાંને ઉઘાડાં પાડવાં તે બૌદ્ધિકોની જવાબદારી છે. કમ-સે-કમ આટલી વાત તો સુસ્પષ્ટ હોવી જોઈએ. અને વધુ કોઈ ટિપ્પણીની જરૂર ન જણાય, પણ એવું નથી. આજના જમાનામાં બૌદ્ધિકો માટે એ એવી દેખીતી વાત નથી.”
વિયેતનામમાં લશ્કર મોકલવાના વિરોધમાં ચોમ્સ્કીએ (ગાંધીપ્રિય થોરો પરંપરામાં) કરવેરા ભરવાની ના પાડી અને એ માટે થોડા દિવસ જેલમાં પણ ગાળ્યા. સરકાર સામે પ્રજાકીય વિરોધ આંદોલનમાં ફેરવાતો ગયો અને ચોમ્સ્કી આ અસહમતિના પ્રવક્તા બરાબર ગણાયા.
વિયેતનામનો પ્રશ્ન પૂરો થયો, પણ ચોમ્સ્કીએ અમેરિકાની નવસંસ્થાનવાદી વિદેશનીતિનો વિરોધ ચાલુ રાખ્યો. નિકારાગુઆ હોય કે કમ્બોડિયા, વિકસતા દેશોમાં અમેરિકાની ઘૂસણખોરીના વિરોધમાં તેઓ લખતા રહ્યા. ત્યાંથી આગળ વધીને માત્ર સરકાર નહીં, પણ મોટી કંપનીઓ અને અખબારી આલમની પણ અનીતિઓ ખુલ્લી પડી.
ભાષાવિજ્ઞાનમાં ચોમ્સ્કીની ‘થિયરી’ છે, બહુ જટિલ અને ઊંડાણમાં છે; પણ રાજકારણ તરફ ચોમ્સ્કીએ ‘થિયરી’ની ફૅશન અવગણી છે. આમ તો એમને ‘અત્યંત ડાબેરી’ કે ‘એનાર્કિસ્ટ’ના ખાનામાં મૂકવામાં આવે છે, પણ એ માત્ર ખાનું જ છે. રાજકારણમાં તેમનો અભિગમ એ બાળક જેવો છે, જેને બાકીના બધા શું કહે છે, તેની પડી નથી અને જે દેખાય છે, તે બોલે છે (કે ‘રાજાએ વસ્ત્રો ધારણ કર્યાં નથી.’) તેમને ઔપચારિક શિક્ષણની બહાર, નૉન-ફૉર્મલ સ્કૂલમાં ભણતર મળ્યું હતું, જ્યાં સાચા જવાબો આપવાના બદલે સાચા પ્રશ્નો પૂછવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. માટે રાજકારણ હોય કે ધરમ ઇત્યાદિ, ચોમ્સ્કી કહે છે કે બધી ધારણાઓ અને માન્યતાઓ માટે પ્રશ્નો પૂછવા સિવાયનો પણ કોઈ વિકલ્પ હોઈ શકે, તેવી તેમને ખબર જ નહોતી.
એમના પોલિટિક્સને બીજી રીતે સમજવા માટે ‘ઓરવેલની સમસ્યા’નો સંદર્ભ લઈએ. જ્યૉર્જ ઓરવેલ અને ચોમ્સ્કીની જનમકુંડળીમાં થોડું સામ્ય પણ છે. ચોમ્સ્કી બહુ ઓછા પૂર્વસૂરિઓ ગણાવે છે, તેમાં ઓરવેલ, બર્ટ્રાન્ડ રસેલ અને આઇન્સ્ટાઇન આવે. ઓરવેલે ‘પ્લેટોના પ્રૉબ્લેમ’ને ઉલટાવીને એક વાર એમ પૂછેલું કે, ચારે બાજુ આટલું જે કાંઈ ચાલે છે, તે જોયા પછી પણ આપણે આટલું ઓછું કેમ ‘જાણીએ’ છીએ? માટે ચોમ્સ્કીનો અભિગમ એવો છે કે આંખ-કાન, મન ખુલ્લાં રાખીને જ્યાં અન્યાય કે અસત્ય દેખાય, તેનો જે રીતે થઈ શકે તે રીતે વિરોધ કરવો. (વાત સરળ કરવા દાખલો આપવો હોય, તો આજકાલ ઘરઆંગણે જ ઘણાં ઉદાહરણો મળી રહેશે.)
આવું કરવામાં ઘણી વાર મુશ્કેલી પણ આવે, સરકાર તરફથી પણ અને વધુ જાણવા ન જ માગતા ભક્તવર્ગ તરફથી પણ. (ઊંઘતા માણસને જગાડી શકાય, પણ ઊંઘવાનો ડોળ કરનારાને નહીં. ટ્રાય કરી જોજો) જેમકે, ૯/૧૧ પછી સરકારી, બિનસરકારી સૌનું એકસરખું માનવું હતું, પણ ચોમ્સ્કીનું માનવું હતું કે અમેરિકાએ વર્ષોથી વિદેશોમાં જે કરતૂતો કર્યાં છે, એ પછી આવું કંઈક તો બનીને જ રહેવાનું હતું. “સત્તાધીશો માટે ગુનો એ છે જે બીજા કરે છે.” સામાન્ય અમેરિકી નાગરિકો જ્યારે હજુ હતપ્રભ હતા, ત્યારે આવી વાત કરવી હિંમતનું કામ હતું. એ વખતે ક્રિસ્ટોફર હિચન્સ જેવા બીજા તીખા પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલોએ ચોમ્સ્કીની ભારે ટીકા કરી, પણ ચોમ્સ્કીએ જવાબમાં અમેરિકાએ કેવી રીતે પોતાની ઘોર ખોદેલી તેની વિગતવાર હકીકતો ટાંકી, લખાણમાં, નાનામોટા રેડિયો શોમાં, ભૂગર્ભ પ્રકાશનસંસ્થાઓ સાથેની મુલાકાતોમાં, જે પ્લૅટફૉર્મ મળ્યું, ત્યાંથી પોતાનો છેડો પકડી રાખ્યો.
ચોમ્સ્કીની રીતના રાજકારણની એક ખૂબી એ છે કે વચ્ચે-વચ્ચે કટાક્ષ બાદ કરતાં એમની ભાષા જરા પણ પ્રભાવી નથી. એમનાં જેવાં બીજાં નામોમાં હિચન્સ (ઓરવેલની જેમ) અત્યંત ઉચ્ચ કોટિના લેખક ગણાતા. ભારતમાં તેમનાં મિત્ર કે પ્રતિનિધિ અરુંધતી રૉય માટે પણ કહી શકાય કે તેમની સાથે સહમત ન થતા વાચકો પણ તેમનું લખાણ રસથી વાંચે છે. પણ ચોમ્સ્કી (કંઈક ગાંધીની જેમ) માને છે કે જે હકીકત છે તે છે, તેને શણગારવાની જરૂર નથી. માટે જ એ હકીકત કહેનાર કોણ છે. તેનું અધિકારપદ કે ઑથોરિટી - પણ અવગણીને ચાલવું. કોઈ ગુરુજી કે લોકપ્રિય કલમનવેશ કે ટીવી ઍન્કર આમ કહે છે તો પછી માની લઈએ એ ન ચાલે. વક્તા તરીકે ચોમ્સ્કીનો નંબર મોદીથી ઘણો પાછળ આવે. ઉપર ફૅશનેબલ થિયરીઓની વાત કરી. એકૅડેમિક વર્તુળોમાં ‘પાવર’ની વાત કરીએ તો પહેલું નામ ફ્રૅન્ચ ફિલોસૉફર મિશેલ ફુકોનું મુકાય. ૬૦-૭૦-૮૦ના દશકાઓમાં ફ્રૅન્ચ-જર્મન એટલે કે કૉન્ટિનેન્ટલ થિન્કિંગમાં અમુક વિચારકોનું કલ્ટ-ફોલોઇંગ હતું, અને ફુકો એમાં રાજાપાઠમાં. બીજી તરફ બ્રિટિશ ઍમ્પિરિસિસ્ટ ટ્રેડિશન હતી. બંનેને એકબીજા માટે ભારે સૂગ. આ બે ‘સંસ્કૃતિઓની ટક્કર’ થઈ ૧૯૭૧માં, જ્યારે ડચ ટેલિવિઝનના એક કાર્યક્રમમાં ચર્ચા યોજવામાં આવી. વિષય ‘માનવીય સ્વભાવ : સત્તા વિ. ન્યાસ’. ભાગ લેનાર : ફુકો અને ચોમ્સ્કી. હવે તે યુ ટ્યૂબ પર પણ જોઈ શકાય છે અને પુસ્તક સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. તેમાં ફુકો કૉન્ટિનેન્ટલ પ્રણાલિમાં વારંવાર ‘ભાષાની રમતો’ પર આવી જાય છે કે સત્તા એટલે શું એ વ્યાખ્યા કરવી પડે અને પછી ‘વ્યાખ્યા’ એટલે શું એનીય વ્યાખ્યા કરી લઈએ. બીજે છેડે, ચોમ્સ્કીની રજૂઆત વારંવાર એવી છે કે, જુઓ અહીં આ સરકાર (કે કંપની કે મીડિયા) પ્રજા પર અત્યાચાર કરે છે અને એનો પૂરા જોશથી પ્રતિકાર કરવો રહ્યો અને આટલી સાદી વાત તમને સમજાતી ન હોય, તો આપણે એકબીજાનો વખત બરબાદ ન કરીએ તો સારું.
ભારતમાં ક્યારેક ખબરમાં આવે છે કે સિંગુરના ખેડૂતોની કે કન્હૈયાકુમારની કે કોઈ અભિયાનની તરફેણમાં સહીઝુંબેશમાં ચોમ્સ્કીએ ટેકો આપ્યો છે, ત્યારે એવું લાગે કે બહુ વ્યસ્ત માણસો અમુક પ્રકારની પ્રવૃત્તિઓ માટે એમ જ સમર્થન આપી દેતા હોય છે. ચોમ્સ્કીના કેસમાં જોકે, માનીને ચાલવું કે તેમણે પરિસ્થિતિની પૂરી માહિતી મેળવી હશે. એવું ખાતરીપૂર્વક કહેવાનું કારણ એ છે કે ૨૦૦૧માં જ્યારે ચોમ્સ્કી ભારતની બીજી મુલાકાતે આવેલા, ત્યારે તેમણે કર્મશીલો અને રાજકીય નેતાઓ (મોટા ભાગે સીપીએમ) સાથેની વાતચીતમાં પેચીદા પ્રશ્નો પૂછેલા અને ઘણા કિસ્સામાં (નર્મદા અને દવાના ભાવનિર્ધારણ) સામેવાળા કરતાં વધુ માહિતી તેમની પાસે હતી. માટે જ તેમના જાહેર પ્રવચનમાં ભારતના રક્ષામંત્રી (જ્યૉર્જ ફર્નાન્ડિસ) પણ સામાન્ય શ્રોતા બનીને બેઠા હતા.
આજની તારીખે એટલું કહેવું જોઈએ કે ચોમ્સ્કીના કારણે દુનિયામાં ક્યાંય થોડો અન્યાય ઓછો થયો છે અને ભાષા કે માનવસ્વભાવ વિષેની આપણી સમજ થોડી વધી છે.
(નિરીક્ષક, 16-12-2018માંથી સાભાર)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર