Home /News /world /

મહાશિવરાત્રિઃ જીવ અને શિવના મિલનની મોક્ષદાયી રાત્રિ

મહાશિવરાત્રિઃ જીવ અને શિવના મિલનની મોક્ષદાયી રાત્રિ

મહાશિવરાત્રિઃ જીવ અને શિવના મિલનની મોક્ષદાયી રાત્રિ.

  દેવાધિદેવ મહાદેવનાં ઘણાં નામો છે, પણ એમાનું એક પ્રિય નામ શિવજી ખૂબ જાણીતું છે. દરેક જીવમાં શિવ પહેલેથી જ બિરાજમાન હોય છે. પોતાનામાં શિવત્વ શોધવાનો દિવસ એટલે શિવરાત્રિ.

  ભગવાન શિવજીનાં અસંખ્ય રૂપો છે. તેનું અનાદિ અને નિરાકાર રૂપ એટલે શિવલિંગ, જે માનવ આકૃતિમાં નથી. તેમનો આદિ કે મધ્ય કે અંત નથી. શિવ સર્વસ્વ છે. શિવજીનો પ્રાક્ટ્ય સમય રાત્રિનો છે, જેને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.

  મહાશિવરાત્રિ એટલે જીવતત્વમાંથી શિવત્વમાં પ્રેરણા આપનારો શુભ દિવસ છે. આ દિવસે નિરાકાર ગણાતા શિવજી માનવસ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર પધારે છે, એટલે શિવરાત્રિનું આ મહાપર્વ જીવ અને શિવના મહામિલનનું પ્રતીક ગણાયું છે. જીવ આત્મ છે તો શિવ પરમાત્મા છે. બંનેનું મિલન એ જ મુક્તિ છે, એ જ ભક્તિની શક્તિ છે. દરેક મહિનામાં વદ-13 શિવરાત્રિ કહેવાય છે, પણ મહા મહિનાની તેરસ મોક્ષદાયી રાત્રિ છે, એથી તેને મહાશિવરાત્રિ પણ કહેવાય છે.

  શિવરાત્રિના દિવસે વહેલી સવારથી શિવ-ભક્તો શિવ-મંદિરોમાં ઊમટી પડે છે. આ દિવસે જળધારા, દૂધનો અભિષેક, બીલીપત્ર, ગંગાજળ, તલ-મગ, ધાન્ય, ફૂલથી શિવજીની પૂજા કરવામાં આવે છે. લઘુરૂદ્ર, રૂદ્રી, ભજનો, શિવની સ્તુતિઓ, મહાઆરતી કરવામાં આવે છે. શિવજીને પ્રસન્ન કરવા શિવ-ભક્તો શિવ-પંચાક્ષર સ્તોત્ર, શિવ-ચાલીસા જેવાં સ્તોત્રોનું ગાન કરતા હોય છે. ભાંગનો પ્રસાદી તરીકે ભોગ ધરાવવામાં આવે છે. ભાંગમાં દૂધ, સાકાર, બદામ, મરી, જાયફળ, વરિયાળી, તજ-લવિંગ, એલચીનો ઉપયોગ કરવામાં આવે છે.

  મહાશિવરાત્રિની રાત્રિએ શિવ-ભક્તો ભોળાનાથની કૃપા મેળવવા ૐ નમઃ શિવાય તથા મહામૃત્યુંજયના જાપ, અનુષ્ઠાન અને મહાઆરતી કરતા હોય છે. શિવ-મંદિરમાં રોશની, શણગાર કરવામાં આવે છે. આખો દિવસ હર હર મહાદેવના નાદથી મંદિરો ગાજી ઊઠે છે.

  શિવજી પર ત્રણ પાનવાળું બીલીપત્ર ચઢાવવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવજી પર પાણી અને દૂધનો અભિષેક કરવાથી કુવિચારો દૂર થઈ સર્વ પાપોનો નાશ થાય છે અને આધિ-વ્યાધિ-ઉપાધિ શાંત થાય છે. સાચા ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે.

  ગુજરાતના જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રિએ ભરાતા મિની મહાકુંભનું અનોખું મહત્વ હોય છે. ગિરનારના સાંનિધ્યમાં ભવનાથનો આ મહાકુંભ દર વર્ષે મહાવદ નોમથી મહાશિવરાત્રિ પર્વ સુધી પાંચ દિવસ માટે યોજાય છે.


  મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ 12ના ટકોરે મૃગીકુંડમાં સાધુ-બાવાઓનું શાહી સ્નાન ભક્તિમય-પવિત્ર મનાય છે (ફાઇલ તસવીર).


  મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નિરાકર દેવ શિવજી આકારરૂપ ધારણ કરી જીવ સાથે મિલન માટે પૃથ્વી પર પધારે છે, એટલે ભવનાથનો મેળો જીવ-શિવના મિલનનો પ્રતીક સમાન ગણવામાં આવે છે. ભવનાથ મંદિરના સંકુલમાં આવેલા મૃગીકુંડમાં સ્નાન કરવાથી બધાં પાપોનો નાશ થઈ જાય છે. મહાશિવરાત્રિના પર્વ પર લાખો જનસમુદાય વચ્ચે નાગા સાધુ-બાવાઓનું સરઘસ અને શાહી સવારી જોવા મળે છે. એ જ રાત્રિના 12ના ટકોરે મૃગીકુંડમાં સાધુ-બાવાઓનું શાહી સ્નાન ભક્તિમય અને પવિત્ર ઘટના મનાય છે. સાધુ-બાવાઓના મૃગીકુંદમાં શાહી સ્નાનના સમયે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ ,મહેશ પધારે છે. તેમનાં માત્ર દર્શનથી મોક્ષ મળી જાય છે, એટલે મહાશિવરાત્રિને મોક્ષદાયી રાત્રિ કહેવાય છે.  તમારા ઘરમાં તમારાં મા-બાપ અને બીજા સ્વજનોમાં પણ શિવતત્વ હોય છે. જો પોતાના ઘરના સ્વજનો સાથે તમે યોગ્ય વ્યવહાર કરતા હો અને તેમને કોઈપણ ઠેસ ન પહોંચાડી માનવતાના શિખરે પહોંચવા તત્પર હો તો સમજી લો કે તમે શિવનની ભક્તિ કરવા લાયકાત ધરાવો છે. જ્યારે તમારાં કર્મમાં દોષ આવી જાય તો સમજી લેવું કે શિવજીને પ્રાપ્ત કરવાનો માર્ગ બદલાઈને ફક્ત માયા-પાપમાર્ગે તમારું પ્રયાણ થઈ ગયું છે. જે વ્યક્તિમાં કપટ સ્વભાવ, હોશિયારી, દૂષિત નીતિ હોય એવી વ્યક્તિ આવનારાં 100 જન્મમાં ભગવાન શિવને પ્રાપ્ત કરી શકતી નથી. જો તમારામાં ભોળાનાથ જેવો ભોળો, સરળ સ્વભાવ-દષ્ટિકોણ હોય, માનવતા હોય, કપટ વગરનો નિર્દોષ ભાવ હોય તો રોજ શિવજીના સ્મરણ માત્રથી તમે શિવજીને પ્રાપ્ત કરી શકો છો. છેલ્લે, હર હર મહાદેવ...

  -Sanjaybhai D. Joshi
  Published by:Sanjay Joshi
  First published:

  Tags: DharmaBhakti, Mahashivratri, Shivratri

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन