Home /News /world /રાવણે મૃત્યુ વખતે લક્ષ્મણને આપેલા ઉપદેશો જાણો...

રાવણે મૃત્યુ વખતે લક્ષ્મણને આપેલા ઉપદેશો જાણો...

રાવણે મૃત્યુ વખતે લક્ષ્મણને આપેલા ઉપદેશો જાણો...

રાવણ સાથેનું યુદ્ધ સમાપ્ત થયા પછી શ્રી રામે ભાઈ લક્ષ્મણને રાવણ પાસે જઈને રાજનીતિ-ઉપદેશ લેવા માટે જવાનું સૂચન કર્યું હતું. શ્રી રામ જાણતા હતા કે રાવણ મહાન શિવભક્ત અને કુશળ રાજનીતિજ્ઞ હતો, એટલે રાવણના અંતિમ સમયે તેમની પાસેથી જ્ઞાન લેવા લક્ષ્મણને કહ્યું હતું. શ્રી રામની વાત સાંભળી લક્ષ્મણને શોભ થયો અને વિમાસણમાં પડી ગયા. શ્રી રામના કહેવાથી લક્ષ્મણ રાવણ સામે જઈને ઊભા રહ્યા અને રાવણને ઉદ્દેશીને કહેવા લાગ્યા, મને શ્રી રામે આપની પાસે રાજનીતિ-ઉપદેશો, બોધ-વચનો સાંભળવા માટે મોકલ્યો છે. રાવણે લક્ષ્મણને જવાબ આપ્યો, આપ મારી પાસે નીતિ-ઉપદેશો સાંભળવા આવ્યા છો.

આપે જેની પાસેથી કંઈ જાણવાનું હોય, શીખવાનું હોય તો નતમસ્તકે હાથ જોડીને ઉપદેશકની નીચે બેસવું જોઈએ. જ્યારે તમે તો ઊભાં ઊભાં ઉપદેશો સાંભળવા આવ્યા છો. તમે તો જાણો છો કે અત્યારે હું જમીન પર ઘાયલ થઈ સૂતો છું, આવી અવસ્થામાં તમે મારી પાસે શી આશા રાખી શકો? લક્ષ્મણને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને રાવણની પાસે હાથ જોડી નીતિ-ઉપદેશો સાંભળવા બેસી ગયા.

રાવણે પોતાની વાતનો આરંભ કરતાં જણાવ્યું કે આપના ભાઈ શ્રી રામ ખૂબ મહાન છે, પ્રાણી માત્રના આરાધ્યા દેવ છે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન છે. આ હું પહેલેથી જ જાણતો હતો, પરંતુ મારી સદગતિ ભગવાન શ્રી રામના હાથે જ લખાયેલી હતી. પહેલાં તો મારા ઇષ્ટ ભગવાન શિવજીને વંદન કરું છું અને તેમની પાસેથી જે જે નીતિ-ઉપદેશો મેં સાંભળ્યા હતા એ બધા હું આપને કહીશ.

રાવણે લક્ષ્મણને આપેલા ઉપદેશો

1) જેમણે કોઈપણ જ્ઞાનની વાત સાંભળી હોય ત્યારે તેમણે તે જ્ઞાનીનાં યરણોમાં નમ્ર બનીને બેસવું જોઈએ, ત્યારે જ જ્ઞાની પોતાના જ્ઞાનનો સર્વ નિચોડ રજૂ કરે છે, તે જ્ઞાની શત્રુ કેમ ન હોય !

2) દરેક માનવે વહેલી સવારે સૂર્યના ઉદય થયા પહેલાં ઊઠી જવું જોઈએ અને પથારીમાં ઊઠીને પ્રથમ ઇષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ.

3) પરસ્ત્રીને માતા સમાન ગણવી. વ્યભિચાર કરવો નહિ. પરસ્ત્રીના વિચાર કરવા માત્રથી માનવીનું પતન થાય છે. આનો દાખલો તમારી સામે જ છે.

4) જેનાથી બુદ્ધિ ભ્રમિત થઈ જાય એવું ખાન-પાન લેવાં ન જોઈએ. બુદ્ધિ ભ્રમિત થવાથી મનુષ્ય ન કરવાનાં કામ કરી નાખે છે અને પાછળની આખી જિંદગી પસ્તાય છે.

5) નાનાં બાળકો અને સ્ત્રીઓને કટુ વચન કહેવાય જાય અને માર મરાય તો મોટો દોષ લાગે છે. એને લઈને અનેક સંકટો આવે છે અને દુઃખી થવાય છે.

6) દિવસ દરમિયાન ભગવાન નારાયણનું નામ લેતા રહેવું જોઈએ. હરતાં-ફરતાં, ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં ભગવાનનું નામ લેવાથી દિવસ દરમિયાન કરેલાં કાર્યોનો ભાર લાગતો નથી.

7) સૂર્યાસ્ત થયા પછી કોઈપણ વૃક્ષનાં પાન, ફૂલ તોડવાં ન જોઈએ, આમ કરવાથી દોષ લાગે છે.

8) આંગણે આવેલા અતિથિ-આગંતુકને અન્નદાન કરવું જોઈએ. આની અવગણના કરવાથી આવેલા આગંતુક પોતાનું પુણ્ય લઈ જાય છે અને દરિદ્રતા મૂકતો જાય છે.

9) સંધ્યા સમયે ઘરમાં ઝાડું-પોતાં ન કરવા જોઈએ. સંધ્યા સમયે શ્રી લક્ષ્મીજીના આગમનનો સમય હોય છે. એવા સમયે હાથમાં જાડું કે પોતું જોઈ લેવાથી લક્ષ્મીજી બહારથી વિદાય લઈ લે છે.

10) વહેલી સવારે અને સાંજે સંધ્યા સમયે મંદિર તરફ પગ રાખી બેસવું જોઈએ નહિ. આનાથી આર્થિક-શારીરિક તકલીફો આવતી હોય છે.

11)  શત્રુને કદાપિ નાનો નહિ માનવો નહિ. આગ અને પાણીને કદાપિ નાનાં ન ગણવાં જોઈએ. આગની નાની ચિનગારી મોટાં મોટાં નગરો સાફ કરી નાખે છે. શ્રી હનુમાનજીની પૂંછ પર લગાવેલી નાની આગે આખી લંકાને ભસ્મીભૂત કરી નાખી હતી.

12) મિથ્યા વાણી, અહંકાર કે ખોટી સંગત ક્યારેય ન કરવાં જોઈએ. આનાથી મનુષ્યનું પતન થાય છે.

13) દરરોજ સવાર-બપોર-સાંજે પોતાના ઇષ્ટદેવને યાદ કરતા રહેવું જોઈએ, જેથી ખોટા સંગથી બચી જવાય. આનાથી આપણી અંદર જ્ઞાનનો દીપક પ્રજવલિત રહે છે. ક્યારેય દુઃખ નજીક આવતું નથી અને આપણી સદગતિ થાય છે.

14)  સ્ત્રીસંગ કર્યા પછી શુદ્ધ થવું જોઈએ, સ્નાન કરી લેવું જોઈએ, નહિ તો દોષ લાગે છે.

15)  પોતાની શરણમાં આવેલાનો ત્યાગ કરવો નહિ, બની શકે તો રક્ષણ કરવું.

16) તાંબું પવિત્ર ધાતુ છે, એમાંથી બનેલી વસ્તુઓનો શુભ-પવિત્ર કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ, એનાથી સ્નાન કરવું અને પાણી પીવું જોઈએ.

17) એક જ થાળીમાં બે વ્યક્તિએ સાથે ભોજન કરવું જોઈએ નહિ, કારણ કે સાથે ભોજન કરવાથી પૂર્વજનમના અલગ અલગ અશુભ સંસ્કારનો વારસો એકબીજામાં ભોજન દ્વારા આવી શકે છે. અને પતન થાય છે.

18) સ્નાન કરીને તરત પલંગ પર બેસવું નહિ, સ્નાન કર્યાનું મહત્તવ રહેતું નથી. પ્રથમ ઇષ્યદેવું સ્મરણ કરી થોડું ખાઈને, જલપાન કરીને પલંગ પર બેસવું જોઈએ.

19) તલનું દાન ઉત્તમ દાન છે. માટે તલનું દાન ક્યારેય લેવું ન જોઈએ છતાં પણ કોઇનું તલનું દાન લેવાઈ જાય તો અનુકૂળતાએ તલનું દાન કરી દેવું

20)  દક્ષિણ દિશા તરફ પગ રાખી સૂવું ન જોઇએ.

21) જે મનુષ્ય રજસ્વલા સ્ત્રી સાથે મિથુનક્રિયા કરે છે તે દુઃખી થાય છે અને અનેક રોગો થાય છે.  રજસ્વલા સ્ત્રીના હાથનું ભોજન ખાવાથી આ જન્મના વ્રતો-ઉપવાસનું તપ ક્ષીણ થઈ જાય છે, માટે રજસ્વલા સ્ત્રીથી દૂર રહેવું હિતાવહ છે.

22) જે મનુષ્ય મારવાનો કે અહિત કરવાનો વિચાર કરે છે તે દુઃખી થાય છે.

23) પોતાના વખાણ કરવા એ આત્મહત્યા કરવા બરાબર છે.

24)  બીજાને પોતાના ઘરમાં શયનખંડમાં પથારી પર બેસાડવા નહિ કે સુવાડવા નહિ. તેમ જ પોતે બીજાના ઘરમાં પથારી પર બેસવું નહિ કે સૂવું નહિ. આમ કરવાથી ખરાબ વાસના-વિકારોના વિચારો આપણામાં પ્રવેશ થાય છે. અગર જો એવા સંજોગો ઊભા થાય તો એ માટે
શયનની પથારી પર બીજી ચાદર બિછાવી દેવી જોઈએ, જેથી દોષ રહેતો નથી.

25) માનવે અહંકાર કરવો જોઈએ નહિ, અંહકારથી માનવ પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે.

26) દર શનિવારે પીપળાનું પૂજન કરવું જોઈએ. દર શનિવારે બ્રહ્મા, વિષણુ અને શિવનો વાસ પીપળાના વૃક્ષ પાસે રહેતો હોય છે. શનિવારે પીપળાનાં મૂળમાં પાણી રેડવાથી સુખસમુદ્ધિ  પ્રાપ્ત થાય છે અને ગ્રહો બધા શાંત થતા જાય છે.

27) માનવે જીવનમાં સદ આચરણ કરવું જોઈએ. કોઈપણ માનવને દુભાવવો ન જોઈએ. દયા, ભાવના, માનવતા રાખવી જોઈએ.

28) તમારા ભાઈ શ્રી રામ સાથે મારે કોઈ કુભાવ નહોતો. મને માત્ર કર્મ પ્રમાણે એનું ફળ મળી ગયું છે. હું બધાં શાસ્ત્રો જાણતો હતો, પરંતુ એનું પાલન કરી શક્યો નહિ, એટલે એના પરથી માનવે બોધ લેવો જોઈએ કે બધાં શાસ્ત્રો જાણવાથી કામ લાગતું નથી, એનું આચરણ કરવાથી સફળતા મેળવી શકાય છે.

29) માનવજાત ક્ષણભંકુર છે. એનો કોઈ સમય હોતો નથી. માટે સતત જાગ્રતિ રાખવી જોઈએ. જીવનની દરેક ક્ષણ છેલ્લી ક્ષણ છે એમ માની જીવવાથી માનવના હાથે કોઈ ખોટું કામ થતું નથી અને આગળનો સમય સુધરી જાય છે.

30) દરેક માનવમાં એક જ શિવ પરમાત્મા વસી રહ્યા છે અને દરેક માનવનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી જોઈએ, જેથી માનવના હાથે કોઈ ખોટું કામ ન થાય.

તમારા ભાઈ શ્રી રામને મારા કોટી કોટી વંદન કહેજો. તેમણે મારો અંતનો સમય સુધારી દીધો છે અને સદગતિ કરી છે. હવે મારો જવાનો સમય નજીક આવ્યો છે....રાવણ ભગવાન શિવજીનું સ્મરણ કરતાં કરતાં  દેહ છોડી દે છે...

-Sanjaybhai  D. Joshi
Published by:Sanjay Joshi
First published:

Tags: DharmaBhakti, Laxman, Ravan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन