પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને શનિવારે કહ્યું છે કે તે નરેન્દ્ર મોદી સરકારને બતાવશે કે અલ્પસંખ્યકો સાથે કેવી રીતે વ્યવહાર કરવામાં આવે. ઇમરાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અભિનેતા નસીરુદ્દીન શાહે ભીડની હિંસા પર આપેલા નિવેદના કારણે વિવાદ થયો છે.
લાહોરમાં પંજાબ સરકારના 100 દિવસોની ઉપલબ્ધિઓ સાથે જોડાયેલ એક કાર્યક્રમને સંબોધિત કરતા ઇમરાને કહ્યું હતું કે તેની સરકાર એવા પગલા ઉઠાવી રહી છે જેના કારણે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોને તેમનો હક મળી શકે. દેશના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાનું આ જ વિઝન હતું.
ઇમરાને ઝીણાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તે કોંગ્રેસના મોટા નેતા હતા. તેમને હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવતા હતા. જોકે તેમને લાગ્યું કે કોંગ્રેસ મુસ્લિમોને બરાબરીનો અધિકાર નહીં આપે તેથી તેમણે અલગ દેશની માંગણી કરી હતી. તે ઇચ્છતા ન હતા કે મુસલમાન બીજા દરજ્જાના નાગરિક બને.
ઇમરાન ખાને નસીરુદ્દીન શાહનું નામ લેતા કહ્યું હતું કે આજના હિન્દુસ્તાનમાં આવું જ થઈ રહ્યું છે. હું નસીરુદ્દીન શાહને વાંચી રહ્યો હતો, તે જે વાત કરી રહ્યા હતા તે વાતો ઝીણા કહી ચૂક્યા છે. તે સમજતા હતા કે હિન્દુસ્તાનમાં મુસલમાનોને બરાબરના નાગરિક માનવામાં આવશે નહીં. આજના હિન્દુસ્તાનમાં આ બની રહ્યું છે.
ઇમરાને કહ્યું હતું કે અમારી સરકાર નક્કી કરશે કે અલ્પસંખ્યક સુરક્ષિત રહે અને નવા પાકિસ્તાનમાં તેમને બરાબરીના અધિકાર મળે. ઇમરાને નસીરુદ્દીન શાહના નિવેદન તરફ ઇશારો કરીને કહ્યું હતું કે અમે મોદી સરકારને બતાવીશું કે અલ્પસંખ્યકો સાથે કેવો વ્યવહાર કરી શકાય. ભારતમાં પણ લોકો કહી રહ્યા છે કે અલ્પસંખ્યકો સાથે સરખો વ્યવહાર થતો નથી.
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જો નબળા સાથે ન્યાય ના થાય તો તે વિદ્રોહ કરવા તૈયાર થાય છે. એક ઉદાહરણ આપતા ઇમરાને કહ્યું હતું કે પૂર્વી પાકિસ્તાનના લોકોને તેમનો અધિકાર ન મળતા બાંગ્લાદેશ બન્યું હતું.