ફેસબુકના યુઝર્સના ડેટા લીક મામલા બાદ ચર્ચામાં આવેલી યુકેની કેમ્બ્રિજ એનાલિટિકા કંપની બંધ થવા જઈ રહી છે. જોકે, કંપનીએ શટર ડાઉન કરવાની જાહેરાત કરતી વખતે એવું પણ કહ્યું છે કે તેમણે કંઈ ખોટું નથી કર્યું, પરંતુ ફેસબુક યુઝર્સ ડેટા લીક બાદ મીડિયામાં નકારાત્મક પ્રચારને કારણે તેમને કોઈ ક્લાયન્ટ નથી મળી રહ્યા, આ ઉપરાંત તે લીગલ ફી ચુકવી શકે થેવી સ્થિતિમાં ન હોવાથી કંપનીએ તેનું કામકાજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે કેમ્બ્રિજ એનાલિટિકા વિવિધ રાજકીય પક્ષો માટે ચૂંટણીમાં ડેટા રિચર્ચનું કામ કરે છે. દુનિયાભરમાં તેના અનેક ક્લાયન્ટ્સ છે.
કંપની પર આરોપ છે કે તેણે ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે પાંચ કરોડથી વધારે ફેસબુક યુઝર્સનો ડેટા હેક કર્યો હતો. ફેસબુકમાંથી ચોરવામાં આવેલા ડેટાનો ઉપયોગ ટ્રમ્પને ચૂંટણી દરમિયાન ફાયદો કરાવવા માટે કરવામાં આવ્યો હતો. ડેટા લીકની મામલો પ્રકાશમાં આવ્યા બાદ કંપની છેલ્લા ઘણ અઠવાડિયાથી મુશ્કેલીનો સામનો કરી રહી હતી.
કંપનીએ આ અંગે એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, 'કંપનીના તમામ કર્મચારીઓએ સિદ્ધાંતો અને કાયદાની મર્યાદામાં રહીને જ કામ કર્યું છે. પરંતુ જે રીતે મીડિયાએ ડેટા લીક મામલે કવરેજ કર્યું તેના બાદમાં અમારી પાસે કોઈ કસ્ટમર રહ્યા નથી. જેના પરિણામે અમે હવે આ બિઝનેસમાં ચાલુ નહીં રહેવાનો નિર્ણય કર્યો છે.'
કંપનીએ એવી પણ જાહેરાત કરી છે કે તેની પેરેન્ટ કંપની SCL Elections નાદારી નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરશે. જેની અસર કંપનીના ભારતના કામકાજ પણ પડી શકે છે.
નોંધનીય છે કે કેમ્બ્રિજ ડેટા લીક મામલે ભારતમાં પણ મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રત્યાક્ષેપનો દૌર ચાલ્યો હતો. બંને પાર્ટીઓએ એકબીજા પર ચૂંટણી પ્રચાર દરમિયાન યુકેની કંપનીની મદદ લીધી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કેમ્બ્રિજ એનાલિટિકાએ પણ સ્વીકાર્યું હતું કે તેણે ચૂંટણી દરમિયાન ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને ધાર્યું પરિણામ લાવવામાં મદદ કરી હતી.