રાફેલમાં અનિલ અંબાણીની ફર્મનું ફક્ત 10% જ ઓફસેટ રોકાણ: દાસૉ CEO

રાફેલ

સીઈઓ ટ્રેપિયરે કહ્યું, "અમે આશરે 100 જેટલી ભારતીય કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેમાંથી 30 કંપનીઓ એવી છે જેમની સાથે અમે ભાગીદારીની જાહેરાત કરી દીધી છે."

  • Share this:
    પેરિસઃ રાફેલ વિવાદમાં દાસૉ એવિએશન કંપનીના સીઈઓના તાજેતરના નિવેદન બાદ નવો વણાંક આવ્યો છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે અનિલ અંબાણીની કંપનીનું રાફેલમાં ફક્ત 10 ટકા જ ઓફસેટ રોકાણ છે. સીઈઓ એરિક ટ્રેપિયરે કહ્યું કે, તેની કંપની 100 ભારતીય કંપની સાથે વાતચીત કરી રહી છે. ફ્રાંસની વેબસાઇટ મીડિયાપાર્ટે આ નિવેદન પ્રસિદ્ધ કર્યું છે. વેબસાઇટ પર દાસૉ મેનેજમેન્ટ અને તેના કર્મીઓના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી એક બેઠકની નોટ્સનો હવાલો આપવામાં આવ્યો છે.

    ટ્રેપિયરે સ્પષ્ટ કહ્યું કે રિલાયન્સ સાથે દાસૉ એવિએશન સંયુક્ત રીતે રાફેલ લાડાકુ વિમાન કરાર અંતર્ગત 10% ઓફસેટ રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે. ટ્રેપિયરે કહ્યું, "અમે આશરે 100 જેટલી ભારતીય કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેમાંથી 30 કંપનીઓ એવી છે જેમની સાથે અમે ભાગીદારીની જાહેરાત કરી દીધી છે."

    ગુરુવારે પેરિસમાં એક પત્રકાર પરિષદમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના એ દાવાને ફરીથી દોહરાવ્યો હતો કે સરકારને કોઈ જ માહિતી ન હતી કે દાસૉ એવિએશન અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપ સાથે કોઈ જોડાણ કરશે.

    મીડિયામાં આવેલા સમાચારમાં કહેવમાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ દાસૉને મજબૂર કરી કે તે રિલાયન્સને તેના પાર્ટનર તરીકે પસંદ કરે, જ્યારે રિલાયન્સ પાસે ઉડ્ડયન ક્ષેત્રનો કોઈ જ અનુભવ નથી.

    રાફેડ ડીલ મામલે કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર પ્રત્યેક વિમાન રૂ. 1670 કરોડ રૂપિયામાં ખરીદી રહી છે. જ્યારે યુપીએ સરકારે પ્રતિ વિમાનની રૂ. 526 કરોડ કિંમત નક્કી કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે સરકારી એરસ્પેસ કંપની એચએએલને આ સોદામાં શા માટે સામેલ ન કરવામાં ન આવી.

    કોંગ્રેસે એ વાત પર પણ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે વિમાનની કિંમત રૂ. 526 કરોડથી વધીને રૂ. 1670 કરોડ કેવી રીતે થઈ ગઈ? આ મામલે સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008ના વર્ષમાં થયેલા એક કરારનો હવાલો આપીને માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: