હાથી વિશે વિચારતાં જ મગજમાં એક મજબૂત વિશાળકાય જાનવરનું ચિત્ર સામે ઉભરે છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક એવી હાથણીની તસવીર વાયરલ થઈ રહી છે જે કોઈને પણ વિચલિત કરી શકે છે. 70 વર્ષની હાથણી ટિકિરીને નિવૃત્તિ બાદ પણ તેનો માલિક કામ કરાવી રહ્યો છે. હાથણીનું શરીર સમગ્રપણે ગળી ચૂક્યું છે અને તે બરાબર ઊભી રહેવાની સ્થિતિમાં પણ નથી. ખાસ વાત એ છે કે આટલી ખરાબ હાલત હોવા છતાંય શ્રીલંકામા્ર દર વર્ષે યોજાનારા પૈરાહેરા મહોત્સવમાં ટિકિરીને ભાગ લેવા માટે મજબૂર કરવામાં આવે છે.
12 ઓગસ્ટે ઉજવવામાં આવેલા વિશ્વ હાથી દિવસે સોશિયલ મીડિયા પર ટિકિરીની તસવીર ઝડપથી વાયરલ થઈ. ટિકિરીને બચાવવા માટે લોકોએ શ્રીલંકા સરકારને અપીલ કરી છે. ટિકિરીની જે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેમાં તે ઘણી અશક્ત દેખાઈ રહી છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ટિકિરીને ધૂમાડા અને ઘોંઘાટની વચ્ચે મોડી રાત સુધી કામ કરાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેની હાલત છુપાવવા માટે તેની ઉપર ભારે-ભરખમ અને ચમકદાર કપડું નાખી દેવામાં આવે છે.
દર વર્ષે પૈરાહેરા મહોત્સવમાં સામેલ થનારી ટિકિરી હવે બરાબર ચાલી પણ નથી શકતી. સોશિયલ મીડિયામાં વાયરલ તસવીર બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે કોઈ જીવને દુ:ખ આપવું આશીર્વાદ કે પવિત્ર કેવી રીતે કહી શકાય. એક અન્ય યૂઝરે કહ્યું છે કે ટિકિરીની હાલતને જોઈ લાગે છે કે દુનિયા કેટલી ક્રૂર છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર બાદ હાથણીના માલિક અને પેરડના આયોજકોની ટીકા થઈ રહી છે. શ્રીલંકાના પર્યટન અને વન્યજીવ મંત્રી જોન અમરાતુંગાએ કહ્યું કે તેઓએ વન્યજીવ અધિકારીઓને તપાસ કરવાના આદેશ આપ્યા છે.
સરકારે તપાસના આદેશ આપ્યા છે કે શું ખરેખર હાથણીની અશક્ત હોવા છતાંય તેની પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે.