ન્યૂઝ18 ગુજરાતી : સુદાનમાં ફરી એકવાર સૈન્ય શાસકોએ સોમવારે મોટો નરસંહારને અંજામ આપ્યો. આ દરમિયાન હેડક્વાર્ટરની બહાર અનેક દિવસોથી સૈન્ય શાસનના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોને પહેલા તો સૈન્યએ હાંકી કાઢ્યા અને પછી તેમની પર ગોળીઓ વરસાવી. આ દરમિયાન લગભગ 30 લોકોનાં મોત થયા છે અને હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ત્યારબાદ મોટી સંખ્યામાં સૈનિકોની આસપાસના વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો.
મશીનગનો સાથે કરી રહ્યા છે પેટ્રોલિંગ
આ ક્રૂર નરસંહાર બાદ હવે સૈનિક ખારતૂમના રસ્તાઓ પર તહેનાત કરવામાં આવ્યા છે. સ્થિતિ એવી છે કે વિરોધીઓને શોધવા માટે સૈનિક ગાડીઓ પર મશીનગન લગાવીને પેટ્રોલિંગ કરી રહ્યા છે. શહેરના મુખ્ય પુલ અને રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે અને આવતાં-જતાં લોકોની તલાશી લેવામાં આવે છે. મળતી માહિતી મુજબ, સૈનિકોને કંઈ પણ સંદિગ્ધ લાગે તો ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે.
અમેરિકા અને બ્રિટેને કહ્યું- બળપ્રયોગ ન કરો
અમેરિકા અને બ્રિટને સૈન્ય જનરલોને અપીલ કરી છે કે સામાન્ય લોકો અને પ્રદર્શનકર્તાઓ પર આ પ્રકારનો બળ પ્રયોગ ન કરવામાં આવે. સાથોસાથ રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરનું અપહરણ કરી સત્તા મેળવ્યા બાદ હવે તેને અસૈન્ય હાથોમાં સોંપવામાં આવે. બીજી તરફ, સૈન્ય પરિષદનું કહેવું છે કે આ પ્રકારની કોઈ હિંસા નથી કરવામાં આવી અને તેમના સૈનિકોએ પ્રદર્શનકર્તાઓ પર ફાયરિંગ નથી કર્યું. બીજી તરફ, સુદાનના ડોક્ટરોની કેન્દ્રીય સમિતિએ જણાવ્યું કે સોમવારે થયેલી ફાયરિંગમાં મરનારાઓની સંખ્યા 30 થઈ ગઈ છે અને તે વધી પણ શકે છે. મૃતકોમાં એક આઠ વર્ષની બાળકી પણ સામેલ છે.