Home /News /valsad /વલસાડ: દમણ અને ગુજરાતની ચેકપોસ્ટ પરથી 16 લાખની બિનહિસાબી રોકડ પકડાઈ

વલસાડ: દમણ અને ગુજરાતની ચેકપોસ્ટ પરથી 16 લાખની બિનહિસાબી રોકડ પકડાઈ

દમણ અને ગુજરાતની ચેકપોસ્ટ પથી રોકડ જપ્ત થઈ

Valsad cash seized: દમણ અને ગુજરાતની ચેકપોસ્ટ પથી રોકડ જપ્ત થઈ. જંબુરી ચેકપોસ્ટથી 16 લાખની બિનહિસાબી રોકડ પકડાઈ. દમણના ફૂડ કોર્નર સ્ટોરના સંચાલક પાસેથી પકડાઈ રકમ

    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના બોર્ડર પર આવેલા બે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્રની હદ પારની ચેકપોસ્ટો પર પોલીસની સાથે અન્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે અને બંને સંઘ પ્રદેશો અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી ભીલાડ નજીકની જંબુરી ચેકપોસ્ટ પરથી વાહન તપાસ દરમિયાન એક કારમાંથી 16.5 લાખ રૂપિયા જેટલી મોટી રોકડ રકમ ઝડપાઈ હતી. આથી તંત્ર દ્વારા આવકવેરા વિભાગને પણ તેની જાણ કરવામાં આવી હતી.

    લાખોની રોકડ લઇને ક્યાં જઇ રહ્યા હતા?

    પ્રાથમિક માહિતી મુજબ, આ રોકડ રકમ દમણ અને ઉમરગામમાં શ્રી ફૂડ કોર્નર નામના સુપર સ્ટોર ચલાવતા સંચાલકોની હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી હર્ષ રાણા અને રમીઝ અહેમદ નામના બે વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ કરતા આ રોકડ રકમ શ્રી ફૂડ કોર્નરના સંચાલકોની હોવાનું બહાર આવ્યું હતું. તેઓ દમણ અને ઉમરગામમાં ત્રણ સુપર સ્ટોર ચલાવે છે. સેલવાસ રહેતા તેમના મામાને રોકડની જરૂર હોવાથી તેઓ દમણના સુપર સ્ટોરમાં જમા થયેલી આ રોકડ રકમ સેલવાસ રહેતા તેમના મામાને આપવા જઈ રહ્યા હતા .એ દરમિયાન જંબુરી ચેકપોસ્ટ પરથી ટીમોના હાથે ઝડપાયા હતા. આથી ટીમોએ આવકવેરા વિભાગને પણ તેની જાણ કરી હતી.


    આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસનો મોટો આરોપ, 'ભાજપે 27 વર્ષમાં એક પણ નવી સરકારી શાળા કે હોસ્પિટલ બનાવ્યા નથી'

    72 જેટલી ટીમો તૈનાત

    મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના કડકાઈથી અમલ કરવા માટે 72 જેટલી ટીમો તૈનાત છે. જેમાં વીડિયો સર્વિલન્સ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ બનાવવામાં આવી છે અને જિલ્લામાં મોટી નાણાકીય રોકડ રકમ અને હેરફેર પર બાજનજર રાખવામાં આવી રહી છે. અત્યારે પોલીસે દમણ અને ગુજરાતની હદ પર જંબુરી ચેક પોસ્ટ પર દમણમાંથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલી આ કારમાંથી ઝડપાયેલી 16.5 લાખ જેટલી રોકડ રકમ જપ્ત કરી તેમના સંચાલકોની પૂછપરછ કરી છે.

    27 જેટલી ચેકપોસ્ટો બનાવવામાં આવી છે

    આવકવેરા વિભાગે  પણ આ નાણાં ક્યાંથી આવ્યા અને તેનો શું ઉપયોગ કરવામાં આવનાર હતો, તેના સંપૂર્ણ હિસાબ અંગે પણ તપાસ શરૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે,  વલસાડ જિલ્લાને બે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્રની હદ પણ  લાગેલી છે. આથી વલસાડ જિલ્લામાં તંત્ર દ્વારા આંતરરાજ્ય બોર્ડર ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને  આ બોર્ડર પર દમણ, દાદરા નગર હવેલી સાથે  મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ મોટા રસ્તાઓ હાઇવે અને અંતરિયાળ રસ્તાઓ પર 27 જેટલી ચેકપોસ્ટો બનાવવામાં આવી છે. ત્યાંથી પડોશી સંઘપ્રદેશો અને રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

    આમ, આચારસંહિતાના અમલ દરમિયાન 16.5 લાખ રૂપિયા ની રોકડ રકમ જપ્ત કરતાં જ જિલ્લામાં મોટી નાણાકીય હેરફેર કરતા વ્યવસાયો અને વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, અત્યારે આ સમગ્ર પ્રકરણ અંગે સંબંધિત ટીમો ઊંડાણપૂર્વક તપાસમાં લાગી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Valsad news