Home /News /valsad /વલસાડના ઉમરગામની હદમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવીને હત્યા, આરોપીની ધરપકડ
વલસાડના ઉમરગામની હદમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવીને હત્યા, આરોપીની ધરપકડ
ફાઇલ તસવીર
વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર અપહરણ બાદ દસ વર્ષની એક બાળકીની પર દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. આ સનસનીખેજ બનાવને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઇ હતી.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર અપહરણ બાદ દસ વર્ષની એક બાળકીની પર દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. આ સનસનીખેજ બનાવને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઇ હતી. જો કે, મહારાષ્ટ્ર પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. પીડિત બાળકીના કોઈ સગાની અને આરોપીની પૈસાની લેતીદેતી બાબતે છેલ્લા કેટલાક દિવસથી અણબનાવ ચાલી રહ્યો હતો. તેને લઈને નરાધમ આરોપીએ માસૂમ બાળકીને પીંખી નાંખી અને હત્યા કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા ઉમરગામના વાંકાછ ગામ નજીક 10 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. તાત્કાલિક ઉમરગામ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતક બાળકીની ઓળખ માટેની તપાસ કરી હતી. આ દરમિયાન ઘટના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર થઈ હોવાથી વલસાડ પોલીસે મહારાષ્ટ્રની તલાસરી પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. આથી મહારાષ્ટ્ર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ જાણવા મળ્યુ હતુ કે, મૃતક બાળકી મહારાષ્ટ્રના તલાસરીની હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે વધુ તપાસ કરતા મૃતક બાળકીના અપહરણ બાદ તેના પર દુષ્કર્મ આચરી અને તેની નિર્મમ રીતે ગળું દબાવી અને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
આ બનાવને ગંભીરતાથી લઈ ઘટનાસ્થળે પહોંચેલી મહારાષ્ટ્ર પોલીસ અને ગુજરાત પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, મૃતક બાળકી તલાસરી વિસ્તારની જ રહેવાસી હતી. જે ગઈકાલે સ્કૂલે જવા નીકળી હતી અને ત્યારબાદ સ્કૂલથી ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જો કે, બાળકી મળી આવતી નહોતી. ત્યારે પરિવારજનોએ તલાસરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. તે દરમિયાન ઘટના બહાર આવી હતી.
દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી
મહારાષ્ટ્ર પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રમેશ મહાલા પીડિત મૃતક બાળકીની નજીક જ રહેતો હતો. તેણે આ બાળકી જ્યારે સ્કૂલ જઈ રહી હતી એ વખતે રસ્તામાંથી જ અપહરણ કર્યું હતું અને બાઈક પર બેસાડી તે ગુજરાતના ઉમરગામના વાંકાછ ગામની હદમાં લઈ આવ્યો હતો. ત્યારબાદ આ બાળકી પર નરાધમ રમેશ મહાલાએ દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
પૈસાની લેતીદેતી મામલે હત્યા હોવાનું અનુમાન
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, મૃતક બાળકીના કોઈ સગા અને નરાધમ આરોપી વચ્ચે પૈસાની લેતીદેતી બાબતે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. તેને લઈને જ આ નરાધમ આરોપીએ માસૂમ બાળકીનું પ્રથમ અપરણ કર્યું અને ત્યારબાદ તેને પીંખી નાખી હતી. અંતે તેની કરપીણ હત્યા કરી હતી.