Home /News /valsad /વલસાડમાં વર્ષોથી બંધ બ્રિજ પર બેરિકેડ તોડી એક યુવકે કાર સાથે પાર નદીમાં ઝંપલાવ્યુ, પોલીસ ઘટનાસ્થળે
વલસાડમાં વર્ષોથી બંધ બ્રિજ પર બેરિકેડ તોડી એક યુવકે કાર સાથે પાર નદીમાં ઝંપલાવ્યુ, પોલીસ ઘટનાસ્થળે
પાર નદીમાં યુવકે કાર સાથે ઝંપલાવ્યું હતું
અતુલ નજીકથી વહેતી પાર નદીમાં વર્ષોથી બંધ રહેતા જૂના પુલના બેરીકેટ તોડી અને એક યુવકે કારને નદીના પુલ પર દોડાવી હતી અને ત્યારબાદ કાર સાથે નદીમાં ઝંપલાવ્યું હતું.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ અતુલ નજીકથી વહેતી પાર નદીમાં એક યુવકે ગાડી સાથે ઝંપલાવ્યું છે. વર્ષોથી બંધ રહેતા જૂના પુલના બેરીકેટ તોડી અને એક યુવકે કારને નદીના પુલ પર દોડાવી હતી અને ત્યારબાદ કાર સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પારડીના ચંદ્રપુરના તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકને બચાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. પરંતુ યુવક કારમાં ફસાઈ ગયો હોવાથી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી.
બેરીકેટ તોડી નદીમાં ઝંપલાવ્યું
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડના અતુલ નજીકથી વહેતી પાર નદીમાં એક યુવક નદીના જુના પુલ પર કાર લઈને પહોંચ્યો હતો. જો કે, વર્ષોથી આ જૂનો પુલ બંધ હોવાથી કિનારા પર બેરીકેટ લગાવેલા હતા. તેમ છતાં આ યુવકે બેરીકેટ તોડી અને કારને નદીના જુના પુલ પર દોડાવી હતી અને ત્યારબાદ કાર સાથે નદીમાં ખાબક્યો હતો. આ બનાવ વખતે નદી કિનારે કેટલાક લોકો પણ હતા. તેઓ બૂમાબૂમ કરતા નદી કિનારાના ચંદ્રપુર ગામના તરવૈયાઓ તાત્કાલિક નદી પર પહોંચ્યા હતા અને હોડીની મદદથી નદીમાં ખાબકેલી કાર સુધી પહોંચ્યા હતા. આ ઉપરાંત યુવકને બચાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ યુવક કારમાં ફસાઈ ગયો હોવાથી તરવૈયાઓએ તેને બહાર કાઢવા ભારે જહેમત જ ઉઠાવવી પડી હતી અને કમનસીબે ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું.
ગાડીમાંથી આધારકાર્ડ મળી આવ્યું
આ ઘટનાની પ્રાથમિક તપાસ કરતા ગાડીમાંથી એક આધારકાર્ડ મળી આવ્યું હતું. તેમાં વલસાડના કૈલાસ રોડ પર રહેતા સાગર રાઘવભાઈ ગુજ્જરનું નામ લખેલું હતું. પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબજો લીધો હતો. ત્યારબાદ ક્રેન અને તરવૈયાઓની મદદથી નદીમાં ખાબકેલી કાર પણ બહાર કાઢી હતી. જો કે, આ યુવકે કાર સાથે નદીમાં કેમ ઝંપલાવ્યું? તે કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આથી પોલીસે આ સમગ્ર પ્રકરણ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.