વલસાડ: વાલસાડ જિલ્લાના વાપીમાં એક કુટણખાના પર સ્થાનિક લોકોના હલ્લાબોલની ઘટના સામે આવી છે. વાપીના ગીતાનગર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતાં દેહવ્યાપાર સામે લોકોનો આક્રોશ ભભુકી ઉઠ્યો છે. રહેણાંક વિસ્તારમાં ચાલતાં કુટણખાનાથી સ્થાનિક લોકો પરેશાન હતાં, તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિકોએ જ શબક શીખવાડવાનું નક્કી કર્યું હતું.
ત્રણ રૂપ લલનાઓ ઝડપાઇ
મળતી માહિતી અનુસાર, વાપીના ગીતાનગરમાં સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો છે. અહીં લાંબા સમયથી ચાલતાં કુટણખાનાથી લોકો પરેશાન હતા. અહીં એક રૂમમાં ચાલતાં કુટણખાના પર લોકોએ હોબાળો મચાવ્યો હતો. દેહવ્યાપાર સાથે સંકળાયેલી રૂપ લલનાઓ દ્વારા આ કુટણખાનું ધમધમી રહ્યું હતું. જેના પગલે અહીં અનેક યુવકોની અવરજવર રહેતી હતી. આ વિસ્તારમાં રૂપ લલનાઓનો ત્રાસ વધતાં છેવટે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો. ઘટનાને પગલે વાપી ટાઉન પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને ત્રણ રૂપ લલનાઓની ધરપકડ કરી છે.
સ્થાનિકોનું કહેવું છે કે, અહીં લાંબા સમયથી દેહવ્યાપાર ધમધમી રહ્યો હતો. જેના પગલે સ્થાનિક લોકો ખૂબ જ ત્રસ્ત હતા. અનેક વખત રજૂઆતો કરવા છતાં આ કુટણખાના વિરુદ્ધ કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. છેવટે સ્થાનિકોઓ પોતે જ ભેગા થઇને હલ્લાબોલ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને રૂપ લલનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.