Home /News /valsad /વલસાડમાં દીપડો વન વિભાગના પાંજરાને ‘ખો’ આપી ફરાર, ગામ લોકોમાં ભયનો માહોલ
વલસાડમાં દીપડો વન વિભાગના પાંજરાને ‘ખો’ આપી ફરાર, ગામ લોકોમાં ભયનો માહોલ
ગામ લોકોમાં ભયનો માહોલ
Valsad: વલસાડ જિલ્લાના ડુંમલાવ ગામમાં એક ખૂંખાર દીપડાએ દેખા દેતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. વન વિભાગે ગોઠવેલા પાંજરા નજીક દીપડાએ ચક્કર પણ માર્યા હતા. જોકે દીપડો પાંજરામાં પુરાવાને બદલે પાંજરાની આસપાસ ચક્કર મારી અને ફરાર થઈ ગયો હતો.
ભરત પટેલ, વલસાડ: વલસાડ જિલ્લાના ડુંમલાવ ગામમાં એક ખૂંખાર દીપડાએ દેખા દેતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામ નજીક દીપડાએ એક બકરાનું મારણ કર્યું હતું. ત્યારબાદ વન વિભાગે ગોઠવેલા પાંજરા નજીક દીપડાએ ચક્કર પણ માર્યા હતા. જોકે દીપડો પાંજરામાં પુરાવાને બદલે પાંજરાની આસપાસ ચક્કર મારી અને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના વન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વન વિભાગે દીપડોને પકડવા પાંજરુ મૂક્યું
મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ પણ વલસાડ જિલ્લાના ટુકવાડા ગામમાં આવી જ રીતે દીપડાનો ત્રાસ હતો. આથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવામાં આવ્યું હતું. વન વિભાગે આ પાંજરામાં મારણ પણ મૂક્યું હતું. જો કે, તે વખતે દીપડો શિકારની લાલચમાં પાંજરામાં ગયા બાદ આબાદ ઝડપાઈ ગયો હતો. જો કે આ વખતે દીપડો વન વિભાગે બિછાવેલી જાળમાં ફસાવાને બદલે પાંજરાની આજુબાજુ ચક્કર મારી અને ફરાર થઈ ગયો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આમ, ગામની આસપાસ ખૂંખાર દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ છે. લોકો રાત્રે તો ઠીક પરંતુ દિવસે પણ વાડી કે ખેતર જવામાં ડર અનુભવી રહ્યા છે. આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાંક વિસ્તારો નજીકથી ખૂંખાર દીપડાઓ પકડવાની ઘટનાઓ બની ચુકી છે. હિંસક પશુઓ ખોરાકની શોધમાં જંગલ છોડી અને રહેણાંક વિસ્તાર નજીક આવી રહ્યા છે. ત્યારે ડુંમલાવ ગામ આસપાસ દેખાતા દીપડાને ઝડપવા પણ વન વિભાગે પાંજરા ગોઠવવા સહિત વધુ પ્રયાસો હાથ ધર્યા છે.
આ અગાઉ પણ વલસાડમાં દીપડો આવ્યાની ઘટનાઓ બની છે. પરંતુ તેમાં દરેક વખતે દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પૂરીને તેને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે દીપડો વન વિભાગના પાંજરાને ખો આપીને ફરાર થઈ ગયો હતો. જો કે વન વિભાગના અત્યારે પણ દીપડાને પકડવા માટે પ્રયાસ ચાલું છે. પરંતુ દીપડો પાંજરે પૂરાવાનું નામ લેતો નથી. જેથી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.