ભરતસિંહ વાઢેર, વલસાડ: ગુજરાતમાં ચૂંટણીને લઇ રાજ્યમાં આચારસંહિતાના કારણે મોટી રોકડ રકમની હેરફેર પર રોક લાગી છે. એવા સમયે રાજ્યના પડોશમાં આવેલા અને વલસાડ જિલ્લાની હદ પર આવેલા મહારાષ્ટ્રના પાલઘર નજીકથી એક કારમાંથી 8 કરોડ રૂપિયાની નકલી નોટોના બંડલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મહારાષ્ટ્ર પોલીસે દેશના અર્થતંત્રને ખોખલું કરવા માટે ચાલતા મસમોટા સડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં મહારાષ્ટ્ર પોલીસે બે હજાર રૂપિયાના દરની 8 કરોડ રૂપિયાની નકલી નોટોના ચારસો બંડલ કબજે કરી ષડયંત્રના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કારને તલાસી લેતાં નોટોના બંડલો મળી આવ્યા
બનાવની વિગત મુજબ, મહારાષ્ટ્રના ઘોડબંદર મહારાષ્ટ્ર પોલીસ તપાસમાં હતી, એ દરમિયાન ત્યાંથી પસાર થતી એક કારને રોકી તેમાં તપાસ કરતા કારમાં બે વ્યક્તિઓ સવાર હતા. આથી તેમની પૂછપરછ કરી અને કારની તલાસી લેતાં કારમાંથી 2 હજારના દરની નકલી નોટોના ચારસો બંડલ મળી આવ્યા હતા. ગણતરી કરતા આઠ કરોડ રૂપિયાના હોવાનું બહાર આવ્યું હતું. તપાસ કરતા આ નોટો અસલી નહીં પરંતુ નકલી હોવાનું બહાર આવ્યું હતું આથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પોલીસે કારમાંથી મળી આવેલા બે હજાર રૂપિયાના દરના નકલી નોટોના ચારસો બંડલ કબજે કરી આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, આ નકલી નોટો પાલઘરમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારના એક ગાળામાં છાપવામાં આવતી હતી અને ત્યાર બાદ અહીંથી બહાર મોકલવામાં આવતી હતી. આથી પોલીસે હવે આ નકલી નોટોના ષડયંત્રના મૂળ સુધી પહોંચવા અન્ય તપાસ એજન્સીઓ પણ કામે લાગી છે. અત્યાર સુધી આરોપીઓએ કેટલી નકલી નોટો છાપી છે? તેને ક્યાં-ક્યાં સપ્લાય કર્યો છે? તે અંગે તળિયા ઝાટક તપાસનો દોર શરૂ કર્યો છે.