Home /News /valsad /Valsad News: વલસાડ LCBએ ચીખલીગર ગેંગના બે આરોપીને ઝડપ્યા, અનેક ગુના ઉકેલાય તેવી શક્યતા
Valsad News: વલસાડ LCBએ ચીખલીગર ગેંગના બે આરોપીને ઝડપ્યા, અનેક ગુના ઉકેલાય તેવી શક્યતા
બંને આરોપીની તસવીર
Valsad News: વલસાડ એલ.સી.બી પોલીસે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકપછી એક ગુનાઓને અંજામ આપી પોલીસને દોડતી કરનાર કુખ્યાત ચીખલીગર ગેંગના બે સાગરીતોને દબોચ્યા છે.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતાં જ ચોરીના બનાવોમાં પણ વધારો થયો છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. વલસાડ એલ.સી.બી પોલીસે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકપછી એક ગુનાઓને અંજામ આપી પોલીસને દોડતી કરનાર કુખ્યાત ચીખલીગર ગેંગના બે સાગરીતોને દબોચ્યા છે. ત્યારે ગજબની મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી આ ગેંગના 2 સાગરીતો ઝડપાતા આગામી સમયમાં અનેક ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
લોકોએ એક આરોપીને ઝડપી પાડ્યો હતો
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શિયાળામાં ચોરીના બનાવો વધી રહ્યા હતા. ચોરગેંગ વિવિધ વિસ્તારમાં નાના-મોટા ગુનાઓને અંજામ આપી રહી હતી. આ ગેંગના કારનામાઓથી વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી. આથી જિલ્લામાં ગુનાઓને અંજામ આપી પોલીસની ઠંડી ઉડાડનાર ગેંગને ઝબ્બે કરવા જિલ્લા પોલીસ સક્રિય થઈ ગઈ હતી. તેવા સમયે જ વલસાડના અતુલ વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિને લોકોએ ઝડપી પોલીસને જાણ કરી હતી. આ શંકાસ્પદ વ્યક્તિના હાથમાં રહેલી બેગમાં ચોરી કરવાના શંકાસ્પદ સાધનો હતા. આ સાથે જ કેટલાક દાગીના અને રોકડ રકમ પણ હતી. આથી પોલીસને જાણ થતાં જ ટીમ અતુલ પહોંચી હતી અને ગુરુદયાલ દિલીપસિંહ બાવરી નામના વ્યક્તિનો કબજો લીધો હતો. પોલીસે કબજો લીધા બાદ ગુરુદયાલની આગવી ઢબે પૂછપરછ કરતા લોકોના હાથે ઝડપાયેલો અને પોલીસના હાથે આવેલા આ ઈસમ કોઈ સામાન્ય આરોપી કે ટપોરી નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવતી એક કુખ્યાત ગેંગનો સાગરીત હોવાનું બહાર આવ્યું હતું.
પારડી પોલીસ સ્ટેશન હદમાં નેશનલ હાઇવે બાજુમાં ગત 11 જાન્યુઆરીના રાતે એકસાથે ચાર બંધ ફ્લેટોના તાળાં તૂટ્યા હતા. એક ફ્લેટમાંથી કાનની એરીંગ તથા એક કાનની નથણી અને ચાંદીનું બ્રેસલેટ તેમજ દુબઇ કરન્સીના 900 દિર્હામની મત્તા ચોરાઈ હતી. ચાર ચોરો બાઇક પર પલાયન થયા હતા. આ મામલે વલસાડ એલ.સી.બીએ રઘુવીર સીંગ ઉર્ફે રાજુ સિંઘ નામના ઈસમની ધરપકડ કરી લેવાઈ હતી. આ કોઈ સામાન્ય ચોર નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આતંક ફેલાવતી ચીખલીગર ગેંગના સભ્ય હતો. આમ વલસાડ પોલીસે ગુરુ દયાલસિંઘ ઉર્ફે પીતલા દિલીપસિંઘ બાવરી અને રઘુવીરસિંઘ ઉર્ફે રાજુસિંઘ ઉર્ફે રકબીર સોરનસિંઘ ધારાસિંઘની ધરપકડ કરી છે.
શું છે મોડસ ઓપરેન્ડી?
આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણી આપ પણ ચોંકી જશો. કારણ કે, આ ચીખલીકર ગેંગ કોઈ ગુના કે ચોરીને અંજામ આપવા શરૂઆતમાં કોઈ વાહનની ચોરી કરતા હતા અને ચોરી કરેલા વાહનને લઈને જ ચોરીના અન્ય ગુનાઓને અંજામ આપતા હતા. આમ ગુનાઓની દુનિયામાં અત્યંત પ્રખ્યાત આ ગેંગની આગવી ઢબે પૂછપરછ કરી પોલીસે ગેંગના અન્ય ગુનાહિત ભૂતકાળ જાણવા પણ પ્રયાસ હાથ ધર્યો છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો અને ચોર ટોળકીઓ ઠંડીનો લાભ લઈ અને ઠંડીમાં પણ ચોરી જેવા ગુનાઓને અંજામ આપી પોલીસની ઊંઘ અને ઠંડી ઉડાડતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી ઠંડીમાં વલસાડ જિલ્લામાં પણ ગુનાઓનો પ્રમાણ વધ્યું હતું. પરંતુ પોલીસને પડકાર ફેંકી અને દોડતી કરનાર ગેંગના બે સાગરીતોને દબોચી પોલીસે અત્યાર સુધી ત્રણ ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ત્યારે આગામી તપાસમાં આ ગેંગે આચરેલા અન્ય ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળશે તેમ મનાઈ રહ્યું છે.