વલસાડ: રાજ્યમાં કોરોનાનો કહેર વકરતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે વલસાડમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. મોગરાવાડીમાં પોઝિટિવ મહિલા દર્દીનું મોત થયું છે. થોડા દિવસ પહેલા જ મહિલા પોઝિટિવ આવી હતી. જે બાદ મોગરાવાડી વિસ્તારને ક્લસ્ટર ઝોન પણ જાહેર કર્યો હતો. બીજી બાજુ, મહિલાનું મોત અન્ય કારણોસર થયું હોવાનું આરોગ્ય વિભાગનું તારણ છે.
5 દિવસમાં 4 દર્દીના મોત
25મી માર્ચે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 402 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 219 કેસ નોંધાયા હતા. જ્યારે 162 દર્દીઓને રજા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક દર્દી અને કચ્છમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું. છેલ્લા 5 દિવસમાં 4 દર્દીના મોત નિપજ્યાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ. મહત્ત્વનું છે કે, બે દિવસમાં જ 153 ટકા નવા કોરોનાના કેસમાં વધારો થયો છે.
અમદાવાદની વાત કરીએ તો, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું છે કે, કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 10થી 15 દિવસથી કેસમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 7 દર્દીઓ દાખલ છે. જેમાં 4 મહિલા, 2 પુરુષ અને 1 બાળકનું સમાવેશ થાય છે. એક મહિલાની ઉંમર 25 વર્ષ છે. બાકીના 55 વર્ષથી વધુની ઉંમરના દર્દી છે. એક 81 વર્ષના પુરુષ છે, તે વેન્ટીલેટર પર છે. ઉપરાંત એક બાળક 8 મહિનાનું છે. તેના ફેફસામાં હવા ભરાઇ હતી. આરટીપીસીઆર પોઝિટિવ આવતા બાળકને દાખલ કરવામાં આવ્યો છે અને ઓક્સિઝન પર રાખવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક દર્દી બાયપેક પર છે.
બેવડી ઋતુનો માર સ્વાસ્થ્ય પર પડી રહ્યો છે. વાયરલ ઈન્ફેક્શન અને કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે H3N2ના કેસ પણ વધી રહ્યા છે. સરકારી, ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે. જેને લઇને સરકાર અને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.