ભરતસિંહ વાઢેર, વલસાડ: ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં લાઇટ બંધ કરવાના બાબતે મુસાફરો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પરિવાર અને તેમના સગાઓ દ્વારા એક યુવકને ઢોર માર્યો હતો. બનાવ બાદ ટ્રેનમાં દોડધામ મચી ગઇ હતી. ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચતા ટ્રેનને થોભાવી અને ઇજાગ્રસ્ત યુવકને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે GRP પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં મહારાષ્ટ્રના ધુલિયાના સિરપુરના દેવેન્દ્ર ઈશ્વર પવાર નામનો એક એન્જિનિયરિંગ કરતો યુવક મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે ટ્રેન નવસારી રેલવે સ્ટેશન નજીક પહોંચી રહી હતી. તે સમયે લાઈટ બંધ કરવાના બાબતે આ યુવક અને ટ્રેનમાં મુસાફરી કરેલા અન્ય એક પરિવાર વચ્ચે બબાલ થઈ હતી. બબાલ વધુ ઉગ્ર બનતા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પરિવારજનોએ તેમના અન્ય સ્વજનોને નવસારી રેલવે સ્ટેશન બોલાવી આ પરિવાર અને અન્ય સ્વજનો નવસારી રેલવે સ્ટેશન પહોંચી અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યુવકને ઢોરમાર માર્યો હતો.આથી યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
બનાવની જાણ આરપીએફ અને જીઆરપીએને કરતા રેલવે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચતા ટ્રેનને થોભાવી અને ઇજાગ્રસ્ત યુવકને ટ્રેનમાંથી નીચે ઉતારી અને તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ભોગ બનનાર યુવકે તેના પર હુમલો કરનાર પરિવાર અને અન્ય લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતા હવે જીઆરપી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે દોડતી ટ્રેનમાં લાઈટ બંધ કરવાના મુદ્દે થયેલી બબાલને કારણે ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન પર 15થી 20 મિનિટ સુધી થોભાવવાની ફરજ પડી હતી.