ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડના અંભેટી કાપરિયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસ મંદિરના પિલરમાં ભટકાઈ હતી. વારણા ગામથી ભક્તો બસમાં ગાંધીનગર સ્વામિનારાયણ મહોત્સવમાં જવા નીકળ્યા હતા, ત્યારે વળાંક નહીં કપાતા બસચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની બાજુમાં આવેલા જલારામ મંદિરમાં ભટકાઈ હતી. આ અકસ્માતમાં 4ને સામાન્ય ઈજા અને એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વહેલી સવારે એક ખાનગી બસને અકસ્માત નડ્યો
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામ નજીક વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની બાજુમાં આવેલા મંદિરને અથડાઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર ચાર લોકોને સામાન્ય ઇજા થઈ હતી. જ્યારે એકને ગંભીર ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વિગત મુજબ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારણા ગામમાં ભક્તો ખાનગી લક્ઝરી બસ ભાડે કરીને અમદાવાદના સ્વામિનારાયણ મહોત્સવમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. તે વખતે જ વહેલી સવારે બસ કપરાડા તાલુકાના અંભેટી ગામના કાપરીયા નજીક પહોંચી હતી. જોકે, રસ્તા પર તીવ્ર વળાંક હોવાથી બસના ચાલકથી વળાંક નહીં કપાતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આથી બસ રોડની બાજુમાં આવેલા મંદિરમાં ધડાકા સાથે અથડાઈ હતી.
ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી
આ ઘટનામાં બસમાં સવાર ચારને સામાન્ય ઇજાઓ થઈ હતી. જ્યારે એકને ગંભીર થઈ હતી. વહેલી સવારે બનેલી ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસ અથડાતાં મંદિરને પણ નુકસાન થયું હતું. જોકે, ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.