Valsad News: સુરત એસીબીની ટીમે વલસાડની સોળશુંબા ગ્રામ પંચાયતના બે અધિકારીઓને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ત્યારે હાલ તેમની સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાની સોળશુંબા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના હંગામી ક્લાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે તેમને રંગેહાથ લાંચ લેતા ઝડપા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતોમાંથી એક સોળશુંબા ગ્રામ પંચાયત છે.
રજાચિઠ્ઠી માટે લાંચ માગી હતી
મળતી માહિતી પ્રમાણે, વલસાડની સોળશુંબા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અમિત પટેલ અને હંગામી ક્લાર્ક કૃશાંગ ચંદારાણાએ ફરિયાદી પાસેથી જમીન પર બાંધકામની મંજૂરી માટેની ચિઠ્ઠી આપવા માટે મોટી રકમની લાંચ માગી હતી. મહત્ત્વનું છે કે, ફરિયાદીને બાંધકામ માટે રજાચિઠ્ઠી અને ઠરાવની જરૂર હતી.
ત્યારે ગ્રામ પંચાયતના ઉપસરપંચ અમિત પટેલે ફરિયાદી પાસેથી શરૂઆતમાં 15 લાખની રકમ માગી હતી. ત્યારબાદ રકઝક કરીને 12 લાખ આપવાનું નક્કી કર્યુ હતુ. તેના પ્રથમ હપ્તા તરીકે 3 લાખ રૂપિયા આપવા માટે જવાનું હતું. ત્યારે જ ફરિયાદીએ સુરત એસીબીને આ વાતની જાણ કરી દીધી હતી. તો ફરિયાદીના કહ્યા પ્રમાણે સુરત એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું.
ત્યારે 3 લાખનો પહેલો હપ્તો લેતી વેળા સુરત એસીબીની ટીમે ગ્રામ પંચાયતના ઉપસરપંચને ત્રણ લાખ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. હાલ સુરત એસીબીએ બંને આરોપીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.