ભરતસિંહ વાઢેર, વલસાડઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલણપાડામાં ગોડાઉનમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. માલનપાડામાં આવેલા તેલ, શેમ્પૂ, સાબુ અને અન્ય કોસ્મેટિક વસ્તુઓનું હોલસેલ ગોડાઉન આવેલું છે. ત્યારે તસ્કરોએ મોડી રાત્રે આ ગોડાઉનને નિશાન બનાવ્યું હતું અને અંદરથી રોકડ રકમ સહિત અન્ય કીંમતી વસ્તુઓ મળી અંદાજે 10 લાખથી વધુની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ગોડાઉનમાં થયેલી લાખોની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સીસીટીવી કેમેરામાં દેખાતા દ્રશ્યો મુજબ બે તસ્કરો ગોડાઉનમાં ચોરી કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ગોડાઉનના ખૂણે ખૂણે ફરી અને ટેબલ અને અન્ય જગ્યાએથી કીંમતી ચીજ વસ્તુઓ અને રોકડ રકમની ચોરી કરી રહ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે. જો કે, ચોરી કરતી વખતે તસ્કરોએ ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરાની દિશા ફેરવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે, કેમેરા નહીં ફરતા તસ્કરોએ ફરી પાછું ચોરી કરવાનું ચાલુ જ રાખ્યું હતું. આમ ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પોલીસની કામગીરી પર સવાલ
સવારે વેપારીને જાણ થતાં જ ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા ધરમપુર પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. જો કે, ગોડાઉનમાં લાખો રૂપિયાની મત્તાની ચોરીની ઘટનાને લઇ ધરમપુર પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.