Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગામોમાં આતંક મચાવતો ખૂંખાર દિપડો આખરે પાંજરે પૂરાયો છે. પારડીના ડુંમલાવ ગામમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં કદાવર દીપડો ઝડપાઈ ગયો હતો.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના ગામોમાં આતંક મચાવતો ખૂંખાર દિપડો આખરે પાંજરે પૂરાયો છે. પારડીના ડુંમલાવ ગામમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં કદાવર દીપડો ઝડપાઈ ગયો હતો. જો કે, હજુ પણ આ વિસ્તારમાં બે ખૂંખાર દિપડાઓ ફરી રહ્યા હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ છે.
વન વિભાગે પાંજરું ગોઠવ્યું
મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંમલાવ અને આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી એક સાથે ત્રણ દીપડાઓ દેખા દેતા હોવાની વાતને લઈ ગામમાં ભયનો માહોલ હતો. લોકો દિવસે પણ વાડી અને ખેતરે જતા ડર અનુભવતા હતા. આ દીપડાઓ ગામના છેવાડાના વિસ્તારોમાંથી શ્વાન અને અન્ય નાના પશુઓનું મારણ કરતાં લોકોમાં ભયનો માહોલ હતો. આથી સ્થાનિક લોકોએ આતંક મચાવી રહેલા દીપડાઓને ઝડપવા વન વિભાગને રજૂઆત કરી હતી. તેથી વન વિભાગે ડુંમલાવ ગામ અને અંબાચ ગામ વચ્ચે ઝાડી વિસ્તારમાં દીપડાને ઝડપવા મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. આ સાથે જ સીસીટીવી કેમેરા પણ ગોઠવ્યા હતા.
આખરે વન વિભાગની આ તરકીબ કામ કરી ગઈ. ધોળા દિવસે ખૂંખાર દીપડો શિકારની શોધમાં પાંજરા નજીક આવ્યો અને વન વિભાગે દીપડો પાંજરામાં ઘૂસતાંજ પાંજરું બંધ કરી દીધું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હગતી. ત્યારે હજુ પણ ગામમાં બે દીપડા ફરતા હોવાથી લોકોમાં ભયનો માહોલ યથાવત્ છે. હાલ ડુંમલાવ ગામમાંથી ઝડપાયેલા દીપડાનો કબજો લઈ વન વિભાગે તેની તબીબી તપાસ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.