Home /News /valsad /સેલવાસના દેમણી વિસ્તારમાં સગીરા પર હુમલો, પાડોશીએ તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંક્યા
સેલવાસના દેમણી વિસ્તારમાં સગીરા પર હુમલો, પાડોશીએ તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંક્યા
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી
સંઘપ્રદેશ સેલવાસના દેમણી વિસ્તારમાં એક સગીરા પર પડોશમાં રહેતા એક વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયાર સાથે પહોંચેલા વ્યક્તિએ સગીરા પર ઉપરાછાપરી હથિયારના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો.
ભરતસિંહ વાઢેર, વાપીઃ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ સેલવાસના દેમણી વિસ્તારમાં એક સગીરા પર પડોશમાં જ રહેતા એક વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હતો. યુવતી ઘરે જમી રહી હતી એ વખતે જ તીક્ષ્ણ હથિયાર સાથે પહોંચેલા વ્યક્તિએ સગીરા પર ઉપરાછાપરી હથિયારના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, ભોગ બનનાર સગીરા 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. બે દિવસ બાદ તેની બોર્ડની પરીક્ષા હતી. ત્યારે તે પરીક્ષા આપે તે પહેલાં જ પાડોશમાં રહેતા વ્યક્તિએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમાં સગીરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. ત્યારે સગીરાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ મામલે સીસીટીવીને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આરોપી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો
જાણવા મળતી માહિતી મુજબ, હુમલાખોર આરોપી પરપ્રાંતિય હતો અને સેલવાસમાં કોઈ જગ્યાએ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. મહત્વપૂર્ણ છે કે, થોડા સમય અગાઉ પણ એક સાવકા પિતાએ સાવકી દીકરીની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી હતી. ત્યારે ફરી એક વખત પરપ્રાંતિય શખસે સગીરા ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર સગીરાની માતાએ હુમલાખોર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દાખલા રૂપ સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.