Home /News /valsad /નહેરમાંથી ધડ અને સ્મશાનમાંથી મળી આવ્યું માથું અને પગ, નવ વર્ષના બાળક સાથે આખરે શું થયું?
નહેરમાંથી ધડ અને સ્મશાનમાંથી મળી આવ્યું માથું અને પગ, નવ વર્ષના બાળક સાથે આખરે શું થયું?
9 વર્ષના બાળકની હત્યા?
Selvas Child Murder Case: વાપી તાલુકાના કરવડ ગામ નજીકથી થોડા દિવસ અગાઉ નહેરમાંથી એક નાના બાળકનું ધડ મળી આવવાના મામલે મોટા ખુલાશો થયા છે. દાદરા નગર હવેલીમાંથી આવતી દમણ ગંગા કેનાલમાંથી બાળકનું ધડ મળી આવતા સેલવાસ અને વલસાડ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી.
ભરતસિંહ વાઢેર, સેલવાસ: વાપી તાલુકાના કરવડ ગામ નજીકથી થોડા દિવસ અગાઉ નહેરમાંથી એક નાના બાળકનું ધડ મળી આવવાના મામલે મોટા ખુલાશો થયા છે. દાદરા નગર હવેલીમાંથી આવતી દમણ ગંગા કેનાલમાંથી બાળકનું ધડ મળી આવતા સેલવાસ અને વલસાડ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. હવે આ બાળક ચૈતા કોહલા હોવાનો દાવો દાદરા નગર હવેલીના સાયલીના એક આદિવાસી પરિવારે કર્યો છે. આંગણામાં રમી રહેલ કોહલા પરિવારનો 9 વર્ષીય લાડકવાયો ચૈતા ગુમ થવાની ફરિયાદ પણ સેલવાસ પોલીસને મળી હતી. હવે વાપીમાં મળી આવેલ ધડ અને ગુમ થયેલ ચૈતાની કડી જોડવા સેલવાસ અને વલસાડ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કેનાલમાંથી નાના બાળકનું ધડ મળી આવ્યું
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી થોડા દિવસ અગાઉ એક નાના બાળકનું ધડ મળી આવ્યું હતું. આથી સમગ્ર પંથકમાં દોડધામ મચી જવા પામી હતી. કરવડ ગામે આવેલ દમણ ગંગા નહેરની કેનાલમાં પગ અને માથા વગરનું બાળકનું માત્ર ધડ મલતા અરેરાટી વ્યાપી ગઈ હતી. દાદરા નગર હવેલીમાંથી આવતી દમણ ગંગા નદીની કેનાલમાંથી બાળકનું ધડ મળી આવતા દાદરા નગર હવેલી અને વલસાડ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. આ બાળકની હત્યા થઈ છે તેવું પ્રથમ દ્રષ્ટિએએ જ જણાઈ રહ્યું હતું. પરંતુ આ બાળક કોણ છે તે મામલે તપાસ હાથ ધરાઇ હતી.
હત્યાનું કારણ જાણવા ધડનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
પ્રાથમિક રીતે વલસાડ અને દાદરા નગર હવેલીમાં ગુમ થયેલ બાળકોના ડેટા મેળવવામાં આવ્યો હતો. કારણ કે, તાત્કાલિક આ ધડ કોનું હતું તેની ઓળખ થાય તે ખૂબ જરૂરી હતું. આ સાથે સાથે હત્યાનું કારણ જાણવા માટે ધડનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વલસાડ પોલીસે આ મામલે એફએસએલની પણ મદદ લીધી હતી. જોકે હવે સેલવાસ પોલીસે ગુમ થયેલ બાળકનો ડેટા ચકાસતા ખુલાસો થયો છે. ગત 29 ડિસેમ્બરના રોજ દાદરા નગર હવેલીના સાયલી ગામે કોહલા પરિવારે પોતાના 9 વર્ષીય ચૈતાની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આંગણામાં રમી રહેલ 9 વર્ષીય ચૈતા ગુમ થતા પરિવારે ગામ અને સીમમાં તપાસ કરતા ચૈતા મળી નહોતી.
આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી. હવે વાપીમાં મળી આવેલ ધડની ઓળખ આ પરિવારે કરી છે. પરિવારનું માનીએ તો આ ડેડબોડીના હાથ પર બાંધવામાં આવેલ દોરાના આધારે તેમજ કદ કાઠી જોઈને પરિવારે વાપીમાંથી મળી આવેલ બાળકનો મૃતદેહ પોતાના લાડકવાયા ચૈતાનો હોવાનો દાવો કર્યો છે. આથી સેલવાસ પોલીસે વધુ તાપસ કરતા સાયલી વિસ્તારના સ્મશાન પાસે એક બાળકનું માથું અને પગનો ભાગ પણ મળી આવ્યો હતો. દમણ ગંગા નદીના કેનાલનું વહેણ વાપી તરફ હોય છે. જેથી ચૈતાનો મૃતદેહ નહેરના પાણીમાં સાયલીથી વાપી સુધી તણાઈ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
વાપીમાંથી મળી આવેલ બાળકના ધડની ઓળખ કરવાનો દાવો કરી રહેલ સાયલીના કોહલા પરિવાર અત્યારે ન્યાયની ગુહાર લગાવી રહ્યું છે. લાશ શંકાશ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો પેદા થઇ રહયા છે, ક્યાંક બાળક ચૈતાની મેલી વિદ્યા માટે તો હત્યા નથી કરવામાં આવીને? આ સંસનીખેજ મામલામાં વલસાડ પોલીસ ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની પોલીસ પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. જોકે આ ગંભીર ઘટના હોવા છતાં પણ દાદરા નગર હવેલી પોલીસ હજુ સુધી મીડિયા સામે કંઈક કહેવા તૈયાર નથી. પરંતુ આગામી તપાસમાં અનેક ચોકાવનારા ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.