ભરતસિંહ વાઢેર, સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં મોડીરાત્રે દર્દીઓને લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. પુરપાટ ઝડપે જઈ રહેલી એક ટ્રકે એમ્બ્યુલન્સને ટક્કર મારતા એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી. સેલવાસના રિંગ રોડ પર મોડીરાત્રે બનેલી આ ઘટનાને કારણે રોડ પરથી પસાર થતાં વાહનચાલકો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ પલટી મારતા એમ્બ્યુલન્સના ડ્રાઇવરને વધુ ઈજા થઈ હતી. એમ્બ્યુલન્સમાં સવાર બે દર્દીઓને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે નર્સનો બચાવ થયો હતો.
ટ્રકે એમ્બ્યુલન્સને ટક્કર મારતી હતી
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, આ એમ્બ્યુલન્સ મોડીરાત્રે નરોલીથી બે દર્દીઓને લઈ અને સેલવાસની કોટેજ હોસ્પિટલ જઈ રહી હતી. તે વખતે જ સેલવાસના રિંગ રોડ પર આવેલી યાત્રી નિવાસ હોટેલ નજીક પુરપાટ ઝડપે દોડી રહેલી એક ટ્રકે એમ્બ્યુલન્સને ટક્કર મારતી હતી. આથી એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી.
એમ્બ્યુલન્સ પલટતા ડ્રાઇવરને વધુ ઇજા થઈ હતી. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર બે દર્દીઓને સામાન્ય ઇજા થઈ હતી. જ્યારે નર્સનો બચાવ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે સેલવાસની કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સેલવાસ પોલીસે આ મામલે જરૂરી તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી સેલવાસના રિંગ રોડ પર અવારનવાર અકસ્માતો બનતા રહે છે. અકસ્માતોની વણઝાર રોકવા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે તે ખૂબ જરૂર જરૂરી છે.