ભરતસિંહ વાઢેર, દમણઃ સંઘપ્રદેશ દમણની દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલની દમણ પોલીસે ધરપકડ કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખની ધરપકડ થતા નાનકડા સંઘ પ્રદેશમાં ચકચાર મચી ગઇ છે. નવીન પટેલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવ ભાજપના ઉપપ્રમુખ પણ છે. આથી તેમની ધરપકડ થતાં પ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે.
ખંડણીની માગણી કરતા ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી પ્રમાણે, દલવાડા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં સ્ક્રેપનો ધંધો કરતા વેપારી પાસે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલે દલવાડા વિસ્તારમાં ધંધો કરવા માટે હપ્તાની માગણી કરી હોવાના આક્ષેપ થયા છે. સંઘપ્રદેશ દમણમાં જો તેમને ધંધો કરવો હોય તો ફરજિયાત રૂપિયા આપવા પડશે નવીન પટેલે તેવી દાદાગીરી કરી હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું.
પોલીસે બંને ભાઈની ધરપકડ કરી
ત્યારે દમણ પોલીસે ખંડણીની માગણી મામલે બંને ભાઈ, નવીન પટેલ અને અશોક પટેલની ધરપકડ કરી છે. પોલીસે બંને ભાઈઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.